કાર્યવાહી@વડોદરા: ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ કોર્પોરેટરો સામે 1.12 કરોડના કૌભાંડનો આક્ષેપ
મ્યુનિસિપલ કમિશનરે આ મામલે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલા પક્ષપલટો કરીને ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ કોર્પોરેટરો માટે આવનારા દિવસો મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે. વોર્ડ નંબર 15ના પૂર્વ કોર્પોરેટર આશિષ જોશી અને પારુલબેન પટેલ સહિત ત્રણ પૂર્વ પ્રતિનિધિઓ વિરૂદ્ધ ₹1.12 કરોડના કથિત કૌભાંડના ગંભીર આક્ષેપો થતા મ્યુનિસિપલ કમિશનરે આ મામલે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. કમિશનરના આ કડક વલણને પગલે શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આ પૂર્વ કોર્પોરેટરો સામે તેમના કાર્યકાળ દરમિયાન વિકાસકામોમાં મોટાપાયે નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ખાસ કરીને રસ્તાના કામોમાં વપરાતા વેટમિક્ષ અને માટીના પુરાણમાં કાગળ પર કામ બતાવી નાણાં ચાઉં કરી જવાનો આરોપ છે. જાહેર સ્થળો અને સોસાયટીઓમાં મૂકવામાં આવતા સિમેન્ટના બાંકડાઓની સંખ્યા અને તેની ગુણવત્તામાં પણ મોટાપાયે ગોલમાલ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ તમામ કામોમાં અંદાજે ₹1.12 કરોડની રકમનો ભ્રષ્ટાચાર થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.આ ગંભીર આક્ષેપોને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી વિજિલન્સ તપાસ સોંપી દીધી છે. તપાસ અધિકારીએ આ મામલે ફાઈલો મંગાવીને પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે. કયા કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવ્યા હતા, મટીરિયલની ખરીદી ક્યાંથી થઈ હતી અને ખરેખર સ્થળ પર કામ થયું છે કે નહીં, તે તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.
ચૂંટણી સમયે ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડનારા નેતાઓ સામે આ તપાસ શરૂ થતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. કોંગ્રેસ છાવણીમાં આને 'રાજકીય કિન્નાખોરી' તરીકે જોવામાં આવી રહી છે, જ્યારે સામી બાજુ તંત્રનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સામેની આ ઝુંબેશ છે અને પુરાવાને આધારે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિજિલન્સ તપાસના આદેશથી સંબંધિત પૂર્વ કોર્પોરેટરોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જો તપાસમાં દોષી સાબિત થશે.

