કાર્યવાહી@વલસાડ: LPG ગેસ ચોરી અને ગેરકાયદે રિફિલિંગ કરતું મોટું નેટવર્ક ઝડપાયું, જાણો વધુ

 
કૌભાંડ
ટેન્કર, પિકઅપ વાહન, ગેસના સિલિન્ડરો સહિતનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વલસાડ જિલ્લાના ભીલાડ નજીક LPG ગેસની ચોરી અને ગેરકાયદે રિફિલિંગનુ મોટું નેટવર્ક વલસાડ જિલ્લા SOGએ પકડી પાડ્યું છે. ટેન્કર, પિકઅપ વાહન, ગેસના સિલિન્ડરો તેમજ ગેરકાયદે રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી પાઇપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ભીલાડ નજીક હાઇવે પાસે આવેલા સર્વિસ રોડ પર ટેન્કર ઉભું રાખીને તેમાં રહેલો ગેસ ગેરકાયદે રીતે નાના સિલિન્ડરોમાં ભરવામાં આવી રહ્યો હતો. જેમાં પિકઅપ વાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ટેન્કરમાંથી પાઇપ મારફતે ગેસ સીધો સિલિન્ડરોમાં ભરવામાં આવતો હતો અને ત્યારબાદ આ સિલિન્ડરો પિકઅપમાં મુકવામાં આવી રહ્યા હતા. આ રીતે ગેસની ચોરી કરીને તેને કાળા બજારમાં વેચવાનો મોટો રેકેટ ચાલતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર રેડ કરી હતી. રેડ દરમિયાન ટીમે ટેન્કર, પિકઅપ, ભરેલા અને ખાલી સિલિન્ડરો તેમજ ગેસ રિફિલિંગ માટે વપરાતી પાઇપો અને અન્ય સાધનો કબજે કર્યા હતા. પુરાવા અને પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, ટેન્કરનો ડ્રાઈવર જ આ સમગ્ર કારસ્તાનમાં સંડોવાયેલો હોઈ શકે છે. પોલીસે ડ્રાઈવરને ઝડપી પાડી તેની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ આ ગેસ ચોરીના નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે, ક્યાં-ક્યાં ગેસ સપ્લાય થતો હતો અને કેટલા સમયથી આ ધંધો ચાલી રહ્યો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

ભીલાડ જેવા વ્યસ્ત વિસ્તારમાં આવી ગેરકાયદે કામગીરીથી મોટો અકસ્માત સર્જાઈ શકે તેમ હતો. સમયસર SOG દ્વારા કાર્યવાહી ન કરવામાં આવી હોત તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકતા હતા.ટેન્કરમાંથી થોડો થોડો ગેસ ઉતારીને સિલિન્ડરોમાં ભરવામાં આવતો હતો જેથી ટેન્કર ગંતવ્ય સ્થળે પહોંચે ત્યારે મોટી ગેરરીતિ તરત ધ્યાનમાં ન આવે.