કાર્યવાહી@વાપી: ડ્રગ્સના એક મસમોટા નેટવર્કનો પર્દાફાશ, ફેક્ટરી પર દરોડા પાડી બે શખ્સોની ધરપકડ

 
કાર્યવાહી
અન્ય એક શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો પણ મળી આવ્યો

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વાપીના કુંતા ગામે આવેલા એક ગોડાઉનમાં ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સના એક મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ દરોડા દરમિયાન ગોડાઉનમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 71.31 લાખ રૂપિયાની કિંમતનું 2.337 કિલોગ્રામ મેફેડ્રોન (એમડી ડ્રગ્સ)નો જથ્થો પકડી પાડ્યો છે.આ સાથે જ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા બે સગા નરાધમોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક સૂત્રધાર ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

આ દરોડા દરમિયાન ગોડાઉનમાંથી 2.337 કિલો એમડી ડ્રગ્સની સાથે સાથે 658 ગ્રામ અન્ય એક શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો પણ મળી આવ્યો છે. આ પદાર્થ કયો કેમિકલ કે ડ્રગ્સ છે તેની ચોક્કસ પુષ્ટિ કરવા માટે એફએસએલ (FSL)ની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રગ્સની પડીકીઓ પેક કરવા માટે વપરાતું મિક્ષર મશીન, ડિજિટલ વજનકાંટો, પ્લાસ્ટિકની કોથળીઓ સહિતનો અન્ય તમામ મુદ્દામાલ પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કર્યો છે.પોલીસે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અબ્દુલ કલામ અબ્દુલરબ ખાન (ઉં.વ. 36, રહે. ખારીવાડ, નાની દમણ), મેહુલકુમાર નલીનકુમાર મકવાણા (ઉં.વ. 45, રહે. રાજ રેસીડેન્સી-૧, બલીઠા, વાપી)ની ધરપકડ કરી છે. જ્યારે રાજેશ મુરારી મોર્યા (રહે. ગોકુલધામ રો-હાઉસ, સરીગામ, ઉમરગામ) ફરાર છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ આ ગોડાઉનનો ઉપયોગ વેરહાઉસ તરીકે કરતા હતા. તેઓ અહીં ડ્રગ્સના મોટા જથ્થામાંથી નાની-નાની પડીકીઓ (ડ્રગ્સના પેકેટ્સ) બનાવતા હતા અને ત્યારબાદ આસપાસના જુદા જુદા વિસ્તારોમાં છૂટક વેચાણ કરીને યુવાધનને નશાના રવાડે ચડાવતા હતા. વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાંથી અગાઉ પણ એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો, જ્યારે દમણના બામણપૂજા ગામે આવેલા ફાર્મ હાઉસમાંથી આખેઆખું ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપાઈ ચૂક્યું છે. વાપી અને દમણના બોર્ડર વિસ્તારો ડ્રગ્સ માફિયાઓ માટે હબ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે એટીએસ અને એસઓજીની આ સંયુક્ત કાર્યવાહીથી ડ્રગ્સના સપ્લાયરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.