કાર્યવાહી@અમદાવાદ: વિયેતનામથી આવેલા 2 મુસાફરો પાસેથી 8 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો

 
કાર્યવાહી
એરપોર્ટ AIU યુનિટને શંકા જતા બંને યાત્રીઓને ઝડપ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ એરપોર્ટ પરથી હાઇબ્રીડ ગાંજા સાથે વિયેતનામથી આવેલા 2 મુસાફર ઝડપાયા છે. હનોઇથી આવેલા આ બંને મુસાફરો પાસેથી 8.5 કિલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. એક મુસાફર પાસેથી 4.206 કિલો અને અન્ય એક મુસાફર પાસેથી 4.207 કિલો ગાંજો ઝડપાયો છે. બંને મુસાફરો પાસેથી પ્લાસ્ટિક બેગમાં વેક્યુમ કરીને લવાયેલા ગાંજાના 8 પેકેટ જપ્ત કરાયા છે.

એરપોર્ટ AIU યુનિટને શંકા જતા બંને યાત્રીઓને રોકીને તેમની તપાસ કરાઈ હતી જેમાં ગાંજો મળી આવ્યો હતો. બંને કેરિયર સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે. આ જપ્ત કરાયેલા હાઇબ્રીડ ગાંજાની કિંમત 8 કરોડ હોવાનું જાણવા મલે છે. અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવી રહેલા એરપોર્ટ AIU યુનિટ દ્વારા શંકાસ્પદ મુસાફરો પર વોચ રખાઇ રહી હતી ત્યારે વિયેતનામથી આવેલા 2 મુસાફરો પાસેથી હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો જેથી એરપોર્ટ AIU યુનિટ ચોંકી ઉટ્યું હતું કારણ કે સામાન્ય રીતે થાઇલેન્ડથી જ ગાંજો લઇને કેરિયર આવતા હોય છે પણ આ કેરિયર વિયેતનામથી ગાંજો લઇને આવ્યા હતા.

ત્રણ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પર 250 કિલો તથા ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 50 કિલો મળીને અંદાજે 300 કિલો હાઇબ્રીડ ગાંજો મળ્યો છે. બંને કેરિયર કોના મારફતે હાઇબ્રીડ ગાંજો ભારતમાં લઇને આવ્યા હતા અને અહીં કોને ગાંજો સપ્લાય કરવાના હતા તે સહિતના મુદ્દા પર ઝીણવટભરી તપાસ શરુ કરાઇ છે.