આદેશ@દેશ: લોકસભા ચૂંટણી પહેલા મમતા સરકારને ઝટકો, 23 હજાર નોકરીઓ કરાઈ રદ

 
Haikort
2016માં જે લોકોને નોકરીઓ મળી હતી તેમની નોકરીઓ રદ કરી દીધી છે

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પશ્ચિમ બંગાળમાં શાળા સેવા આયોગના શિક્ષક ભરતી કૌભાંડમાં હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે. કલકત્તા હાઈકોર્ટે 23 હજારથી વધુ નોકરીઓ રદ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આ નિર્ણયથી પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે વર્ષ 2016માં જે લોકોને નોકરીઓ મળી હતી તેમની નોકરીઓ રદ કરી દીધી છે. હાઈકોર્ટે આ લોકોને 4 અઠવાડિયામાં તેમનો પગાર પરત કરવાનો આદેશ આપ્યો છે.

કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ દેવાંશુ બસાકની બેન્ચે શિક્ષક ભરતી કૌભાંડ પર આ નિર્ણય આપ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી અને TMCના અન્ય નેતાઓ, ધારાસભ્યો અને શિક્ષણ વિભાગના ઘણા અધિકારીઓ પણ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં જેલમાં છે.કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભિજીત ગાંગુલીએ આ કેસની સુનાવણી સીબીઆઈને સોંપી હતી અને પાર્થ ચેટરજીને સીબીઆઈ સમક્ષ હાજર થવાનો આદેશ પણ આપ્યો હતો, તેમની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં 5000 લોકોએ નોકરી ગુમાવી છે, જેમણે ખોટા માર્ગે નોકરી મેળવી હતી.