વહીવટ@દાહોદ: રાકેશ શંકર જરા અહીં આયોજનની કચેરીમાં આંટો મારે, સેટિંગ્સના હુકમોનો પિટારો મળશે

 
Dahod
હુકમો પણ સેટિંગ્સવાળા અને જોડતોડના જ હોય છે જાણો તેનો સૌથી મોટો ખુલાસો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


દાહોદ જિલ્લામાં તમે શું માનો છો સરકાર મદદ નથી કરતી? ખોબલે ખોબલે સરકાર બે હાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઢગલાબંધ ગ્રાન્ટો આપી રહી છે. જોકે આ ગ્રાન્ટમાં તમે વિચારી ના શકો એવા વહીવટ થાય છે. નામ હોય વિકાસશીલ તાલુકાઓની ગ્રાન્ટ અને વહીવટી થાય છે માલસામાનના વેપારનો. મોટા ગજાના નેતાજીના લેટરો ઉપર ભલામણો થાય ત્યાર પછી સતત ફોલોઅપ લઈ વેપારી ગૃપો અમલી સાથે મળીને કરોડોની ગ્રાન્ટનો વહીવટ કરી રહ્યા છે. એકવાર જો આયોજનના સચિવ રાકેશ શંકર દાહોદ કચેરીમાં જરા આંટો મારે તો વહીવટનો કેવો વહીવટ થાય તે જોઈ આંખો પહોળી થાય તેવું છે. જાણીએ કોણ કેવી રીતે આ સમગ્ર આયોજનને મેનેજમેન્ટ કરી રહ્યું તેનો સ્પેશ્યલ રિપોર્ટ.

દાહોદ જિલ્લાના તાલુકાઓમાં વિકાસશીલ યોજના હેઠળ એક એક તાલુકામાં કરોડોની ગ્રાન્ટ દર વર્ષે આવે છે. તેમાં આયોજન અને તેના અમલીવાળા કેટલાક કામો ગામડાંમાં રોડ, રસ્તા નાળાં, બોર, દિવાલમાં ખર્ચે પછી અમુક ચોક્કસ રકમ ઈરાદાપૂર્વક માલસામાન ખરીદવા વહીવટ કરે છે. હવે આ વહીવટ આજકાલનો નહિ પરંતુ દર વર્ષે થાય છે અને તેમાં માથાભારે ગણાતાં વેપારીઓની નજર હેઠળ થાય છે. ભોળાં આદીવાસી નેતાઓને ગેરમાર્ગે દોરીને લેટરો કરાવે અને આ લેટર આધારે છેક અમલી સુધી પહોંચી વેપારનો ધંધો પાર પાડે છે. જાણીએ કેમ બધા ભેગા મળીને વેપારમાં લાગ્યા નીચેના ફકરામાં.


સૂત્રોએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ આ કરોડોની ગ્રાન્ટમાં કલેક્ટર અને આયોજન અધિકારીના વડપણ હેઠળ કામો પસંદ થાય છે. કામો પસંદ કરવા વેપારી ઈસમો લેટર, ઓળખાણ, મીઠી વાતો, લોભામણી ઓફરો અને ટેલિફોનિક સુચનાઓનો સહારો લે છે. જો વાત ગળે ઉતરી જાય તો આયોજનમાંથી સીધા હુકમો થાય છે માલસામાનની ખરીદીના. આ હુકમો પણ સેટિંગ્સવાળા અને જોડતોડના જ હોય છે. જાણો તેનો સૌથી મોટો ખુલાસો. આયોજનના એવા ઢગલાબંધ હુકમો ભૂતકાળમાં થયાં છે કે, જેમાં અમલીકરણની કચેરીને કોઈ જ લાગતું વળગતું ના હોય છતાં તેનો વેપાર કરવા/કરાવવા અમલીને હુકમ થાય છે. આમાં પણ બે પ્રકાર છે. જો અમલી સાથે એડવાન્સ મુલાકાત થઈ હોય તો અમલીને દરખાસ્ત કરાવવામાં આવે અને જો ફિક્સ ના થયું હોય તો અમલીને સીધો વહીવટી હુકમ પહોંચી જાય અને પછી વેપારીને આગળનુ ફોડી લેવાનુ થાય છે. વાત આટલી નથી, ગત નાણાંકીય વર્ષમાં કયા વહીવટી હુકમમાં કોને અમલીકરણ બનવું પડ્યું અથવા અમલી બન્યા તેનો ઘટસ્ફોટ કરીશું એટલે આયોજનનો વહીવટ સરળતાથી સમજાઈ જશે.