વહીવટ@ઝાલોદ: સહકારી અધિકારીએ માર્કેટયાર્ડની તપાસમાં લાલિયાવાડી, રીપોર્ટ વાંચી ચોંકી જશો, ભાગ-1

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વહીવટ મુદ્દે ગંભીર પ્રકારના આક્ષેપો કરી ખુદ ડિરેક્ટરે તપાસની માંગ કરી હતી. આ તપાસ પૂર્ણ થઈ અને જે કાંઈ સહકારી અધિકારીએ રીપોર્ટમાં લખ્યું તે અનેક સવાલો ઉભા કરે છે. સહકારી અધિકારીએ તપાસ રીપોર્ટમાં ખોટું લખ્યું છે, ગેરમાર્ગે દોરતી વિગતો દર્શાવી મામલો ફાઈલે કરવા કોઈ કસર છોડી નથી. ડિરેક્ટરે ઝાલોદ એપીએમસીને આર્થિક રીતે વધુ મજબૂત કરવા સરકારનું ધ્યાન દોર્યું અને જિલ્લા રજીસ્ટ્રારની તપાસ ટીમે રીપોર્ટમાં અનેક મુદ્દે વાર્તા પણ કરી છે. હવે ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્લોટ ફાળવણીના વહીવટની તપાસ પછીના વિવિધ ઘટસ્ફોટ જાણીશું.
દાહોદ જિલ્લાના ઝાલોદ માર્કેટયાર્ડના ચેરમેન અને સેક્રેટરીના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરી ખુદ સભ્ય ડિરેક્ટર વિજયભાઈ કોળીએ ધોરણસરની રજૂઆત કરી હતી. આ રજૂઆત આધારે દાહોદ જિલ્લા રજીસ્ટ્રારે સહકારી અધિકારીને તપાસ સોંપી અને તપાસ રિપોર્ટ પણ સામે આવી ગયો છે. જોકે જે પ્રમાણે ડિરેક્ટરે અગાઉ મિડીયામાં ગંભીર પ્રકારના આક્ષેપો કરી કરોડોનો ભ્રષ્ટાચાર થયાનું કહ્યું હતું પરંતુ આ તપાસ રીપોર્ટમાં સહકારી અધિકારી એક લાખનું પણ કૌભાંડ શોધી શક્યા નથી. હકીકત એવી છે કે, તપાસ કમ સહકારી અધિકારી રાઠોડે અહેવાલમાં લાલિયાવાડી કરી છે એટલે કાર્યવાહી થવી અતિ મુશ્કેલ છે. અરજદાર વિજયભાઈ કોળીએ ઝાલોદ એપીએમસીની વખતોવખતની સામાન્ય સભા દરમિયાન અને સભા પછી પણ અનેક રજૂઆતો તેમજ વાંધા અરજી આપેલ છે. આમ છતાં સહકારી અધિકારી તપાસ રીપોર્ટમાં જણાવે છે, જેતે વખતે અરજદારે વાંધા આપેલ નથી અને અત્યારે રજૂઆત કરે છે. નીચેના ફકરામાં વાંચો ચોંકી જશો.
સહકારી અધિકારી રાઠોડના તપાસ રીપોર્ટમાં એક ખાસ મુદ્દો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સત્તા અને વહીવટ ઉપરનો છે. સહકારી અધિકારીના તપાસ રીપોર્ટમાં જે પ્લોટ/દુકાનના દસ્તાવેજની વિગતો છે તેમાં ભાવ રૂ.350 લેખે સ્ક્વેર ફુટનો હિસાબ કરો તો ઈન્ડેક્ષની નકલમાં આંકડો અલગ આવે છે. આવા અનેક દસ્તાવેજો છે કે જેમાં, ગણતરી કરતાં વસૂલ કરેલ રકમ તદ્દન અલગ આવતી હોઈ રજૂઆત કરનારે આ મુદ્દે પણ સરકાર અને એપીએમસીને નુકસાન પહોંચાડ્યાના આક્ષેપ કર્યા છે. હવે ભાગ-2 માં સહકારી અધિકારીની હજુ કઈ બેદરકારી છે તે જાણીશું તેમજ ભાગ 3 માં કોણે અને કેવીરીતે ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને આર્થિક રીતે મજબૂત નહિ થવા દેવા કેવા રાજકીય ખેલ પાડ્યા તે જાણીશું.