વહીવટ@દક્ષિણ: રમતગમતના ટેન્ડરમાં એજન્સી મહત્વની કે સરકાર? કલેક્ટર બચાવી શકશે લાખો રૂપિયા?

 
રમતગમત ના સાધનો
વહીવટી મંજૂરીઓ મળતાં સરેરાશ 40 લાખના કુલ 4 ટેન્ડર કર્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી રમતગમતના સાધનો ખરીદવાના ટેન્ડરની વેપારી આલમમાં જોરશોરથી ચર્ચા છે. નજીવી રકમમાં મળતાં સાધનો ખૂબ ઉંચા ભાવે ખરીદ/વેચાણ કરી/કરાવવાની દોડધામ ઉપર સવાલો ઉભા થયા છે. નવસારી જિલ્લા અને વલસાડ જિલ્લામાં મળીને સરેરાશ એકાદ કરોડના 7થી વધુ ટેન્ડરમાં જે મટીરીયલ ખરીદવાનું છે તેના ભાવો ઉંચા રાખવામાં આવ્યા છે. આ બાબતનો લાભ મળતો હોવાનું પારખી ટેન્ડરની પ્રક્રિયાને સરકારના હિતમાં થવા દેવાને બદલે એજન્ટો તડજોડ ગોઠવી ગણતરીના કલાકોમાં લાખો કમાઇ લેવાની વેતરણમાં છે. નવસારી કલેક્ટરને અને વલસાડ તંત્રને સ્થાનિક જાગૃત નાગરિકોએ રજૂઆત કરી અને કલેક્ટરની બાજ નજર પણ છે પરંતુ આગામી દિવસોમાં ખબર પડશે કે કોણ અને કેવીરીતે સરકારના નાણાં બગાડે છે કે બચાવે છે? વાંચો સમગ્ર અહેવાલ.

સૌપ્રથમ નવસારી જિલ્લાની વાત કરીએ તો, રાજ્ય સરકારે જિલ્લા વહીવટી તંત્રને આપેલી ગ્રાન્ટથી વિકાસનાં કામો નક્કી થયા છે. જેમાં નવસારી જિલ્લા રમતવિકાસ અધિકારીને વહીવટી મંજૂરીઓ મળતાં સરેરાશ 40 લાખના કુલ 4 ટેન્ડર કર્યા છે. હવે આ બાબતે વેપારી આલમમાં એવી બૂમરાણ છે કે, સરેરાશ 20 લાખમાં મળતાં રમતગમતના સાધનો પૂર્વ આયોજિત કરી 35થી 40 લાખની વચ્ચે વેપાર કરવાની અંદરખાને કવાયત ચાલે છે. આ બાબતે ખુદ કલેક્ટર મેડમને ધ્યાને આવતાં તપાસની વાત કરી છે પરંતુ સવાલ થાય કે, સરકારના નાણાં બચાવી શકશે? વાંચો નીચેના ફકરામાં.

આ તરફ વલસાડ જિલ્લા તંત્ર દ્વારા પણ રમતવિકાસ અધિકારીને સ્પોર્ટ્સના સાધનો ખરીદવા ગ્રાન્ટ આપી છે. ત્યારે અહિં પણ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર ટેન્ડર કરી સાધનો ખરીદવાની પ્રક્રિયા ચાલું છે. જોકે વલસાડ જિલ્લામાં પણ ટેન્ડરમાં ચોક્કસ પ્રકારની શરતો રાખી/રખાવી અમુક એજન્સીઓ (કે જેઓ એક જ હોય)ના લાભાર્થે થવાની પ્રબળ આશંકા બની છે‌. જો બંને જિલ્લામાં સંપૂર્ણ પારદર્શક અને એકમાત્ર સ્પોર્ટ્સના સાધનોની ગુણવત્તા અને વ્યાજબી ભાવને ધ્યાને રાખી ખરીદવામાં આવે તો સરકારને સરેરાશ 40થી50 લાખ રૂપિયા બચી શકે છે. આ સમગ્ર વિષય નવસારી અને વલસાડ જિલ્લા કલેક્ટરને ધ્યાને છે પરંતુ આગામી સમયમાં ખબર પડશે કે, કલેક્ટર કેવીરીતે અને ક્યારે સરકારના નાણાંકીય હિતમાં કરાવશે.