વહીવટ@ડાંગ: જંગલમાં આગજની ટાળવા અનેક ફાયરલાઇન કાગળ ઉપર? દવના ખર્ચા સવાલોમાં

 
Dang
જો સચોટ રીતે ફાયરલાઈન થાય તો દવથી થતી નુકસાની ઉપર મોટી બ્રેક મૂકી શકાય તેવી ચર્ચાઓ થઈ રહી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


ઉત્તર ડાંગ વનવિભાગમાં હવે દવ સામે ફાયરલાઈનની કામગીરી વિરૂદ્ધ ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે. સમગ્ર જંગલ વિસ્તારમાં ઉનાળા દરમ્યાન આગજની ટાળવા ચોક્કસ કામગીરીની જોગવાઈ છે. વનવિભાગ દ્વારા આગ ના લાગે અને લાગે તો દવ આગળ ના વધે તે માટે ફાયરલાઈનની કામગીરી મહત્વપૂર્ણ કરેલી છે. જોકે ઉત્તમ ડાંગ ડિવીઝનની વિવિધ રેન્જમાં આવતાં જંગલ વિસ્તારમાં દર વર્ષે શું નિયમોનુસાર ફાયરલાઈનની કામગીરી થાય છે? કેટલીક ફાયરલાઇન કાગળ બતાવી બોગસ ખર્ચ ઉધારી ગ્રાન્ટનો વહીવટ થાય છે? આ તમામ સવાલો એટલા માટે ગંભીર બન્યા કે, દવની અત્યંત ચોક્કસાઇ વાળી કામગીરીમાં પણ ક્યાંક લાલિયાવાડી થતી હોવાની બૂમરાણ મચી છે. જાણીએ સમગ્ર અહેવાલ.

ડાંગ વનવિભાગના ઉત્તર ડીવીઝનમા આવતી રેન્જ ફોરેસ્ટ કચેરી હેઠળ આવતાં જંગલ વિસ્તારમાં ઉનાળાની ગરમી દરમ્યાન આગ સામે કાળજી ખૂબ મહત્વની છે. રાજ્ય વનવિભાગની આ જંગલ વિસ્તાર માટે રૂટિન કામગીરી નિયત થયેલી છે જેને ફાયરલાઈન કહેવાય છે. જંગલમાં દવ એટલે કે આગ લાગે તો આગની જ્વાળાઓ આગળ ના વધે તે માટે જો નિયમોનુસાર ફાયરલાઈન થાય તો ખૂબ બચાવ કરી શકાય છે. જોકે હવે ઉત્તર ડાંગ વનવિભાગમાં આ ફાથરલાઈનની કામગીરી પારદર્શક થાય છે? તે સૌથી મોટો સવાલ એટલા માટે કે, અત્યાર સુધી અનેકવાર દવની ઘટનામાં મોટી નુકસાની જોવા મળી છે. જો સચોટ રીતે ફાયરલાઈન થાય તો દવથી થતી નુકસાની ઉપર મોટી બ્રેક મૂકી શકાય તેવી ચર્ચાઓ થઈ રહી છે. જાણકારોના મતે, રોડસાઈડ અને જંગલ વિસ્તારમાં ફાયરલાઈન કામગીરી નિશ્ચિત થયેલી છે. વાંચો નીચેના ફકરામાં

ઉત્તર ડાંગની અનેક રેન્જમાં એકાદ વખત એ પણ માત્ર રોડ સાઇડ ફાયર લાઇન કરી નિયમોનુસાર તમામ ફાયર લાઇન કર્યાનું બતાવી નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવતી હોવાની બૂમરાણ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉનાળામાં સરેરાશ ત્રણ વખત રોડ સાઇડ અને જંગલની અંદરનાં એરિયામાં ફાયર લાઇન કામગીરી કરવાની હોય છે. જેમાં આરએફઓ, ફોરેસ્ટર અને બીટ ગાર્ડની ટીમે મજૂર મારફતે કામગીરી કરવાની થાય છે. આ બાબતે એવીપણ ચર્ચાઓ છે કે, રોપા ઉછેરની જેમ ફાયરલાઈનમા પણ મજૂરોના નામે ખર્ચ બતાવી રોજમદારોનો ઉપયોગ થાય છે.