આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

પોલીસ એટલે સિક્કાની બે બાજુ, કેટલાય લોકો પોલીસની સારી કામગીરી અને સારી છાપ જોતા હોય છે તો કેટલાય લોકો પોલીસની નકારાત્મક વાતો જ ધ્યાનમાં રાખતા હોય છે પણ હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારીમાં એક એવા અધિકારીની વાત અમે તમને બતાવીશું જે સાંભળીને તમને ગુજરાત પોલીસ પર ગૌરવ થશે. હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારી અને તેમાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પોલીસ દિવસ રાત રોડ પર ખડેપગે છે. જ્યાં લોકોને સેવા પુરી પાડવાની હોય ત્યાં મદદરૂપ થઈને સેવા પણ પુરી પાડે છે. આ પરિસ્થિતિ પાછળ જીએસટીવીની ટીમ પાસે એક અધિકારીની હૃદયસ્પર્શી કહાની સામે આવી છે. અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ વાળા કે જેમના ઘરે પાંચ દિવસ પહેલા રાત્રીના સમયે પારણું બંધાયું છે.

પીઆઇ વાળાના પત્નીએ એક બાળકને જન્મ આપ્યો છે. વાળા પિતા બન્યા છે પણ પીઆઇ વાળા પત્નીની સેવા કરવાની જગ્યાએ તે દિવસથી લઈને હાલ પણ લોકોની સેવામાં જોડાયેલા જ છે. પીઆઇ વાળાનું બાળક પ્રિમેચ્યોર હોવાથી હાલ પણ ડોક્ટરની નજર હેઠળ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. જ્યારે તેમના પત્નીની તબિયત સુધારા પર હોવાથી તેમને રજા અપાઈ છે પણ ખાખી ની અંદર રહેલો અધિકારી પણ માણસ છે. આવા સંજોગોમાં પિતૃ વાત્સલ્ય પણ તેઓને ઝંખે છે પરંતુ ખાખી પહેર્યા બાદ દેશ અને જનતા ની સેવા જ સર્વોપરી હોય છે તેવી શપથને પીઆઇ વાળાએ ખરી સાબિત કરી છે. કદાચ આવા સંજોગોમાં સામાન્ય માણસ પોતાના બાળક ને જોવા માટે તલપાપડ થતો હોય છે પરંતુ 2008 માં રાજેન્દ્રસિંહ વાળાએ એક શપથ લીધા હતા જેમાં લોકોની સુરક્ષા, સલામતી અને સેવા સૌથી મોખરે હશે અને તે વચનને નિભાવવા આજે આ અધિકારી રોડ પર સવારથી રાત સુધી લોકોની સેવા કરી પોતાની ફરજ અદા કરી રહ્યા છે.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ જેણે લાખો લોકોનો ભોગ લીધો છે તેવી બીમારીનો પગોપેસારો ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં થઈ ચૂક્યો છે. 21 દિવસના લોકડાઉનને આજે સાતમો દિવસ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર રાષ્ટ્ર બંધ છે. રોડ પર હાજર છે તો માત્ર પોલીસ, સરકારી કર્મીઓ, સફાઈ કર્મીઓ અને મીડિયા કર્મીઓ જેમને ઈશ્વરનું અભય વરદાન છે અને તેમાં પણ મહત્વની ભૂમિકા પોલીસની રહેતી હોય છે ત્યારે આ ભૂમિકા પાછળ આ એક અધિકારીની જ નહીં પણ આવા અનેક અધિકારીઓની હૃદયસ્પર્શી કહાની છુપાયેલી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code