અમદાવાદઃ 31 ડિસેમ્બરે 10 હજાર પોલીસ સાથે 1600 CCTVથી બાજનજર

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં ચાલુ વર્ષે 31 ડિસેમ્બરે રાતે અમદાવાદમાં 15 પાર્ટી પ્લોટ, 12 હોટેલ – રેસ્ટોરેન્ટ અને 4 ક્લબ મળીને કુલ 31 જગ્યાએ ડાન્સપાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય મોટા ભાગના લોકો સીજી રોડ, એસજી હાઈવે, વસ્ત્રાપુર તળાવ, સિંધુ ભવન રોડ તેમજ કાંકરિયા જાય છે. આ તમામ જગ્યાઓને ધ્યાનમાં રાખીને 10 હજાર પોલીસનો
 
અમદાવાદઃ 31 ડિસેમ્બરે 10 હજાર પોલીસ સાથે 1600 CCTVથી બાજનજર

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં ચાલુ વર્ષે 31 ડિસેમ્બરે રાતે અમદાવાદમાં 15 પાર્ટી પ્લોટ, 12 હોટેલ – રેસ્ટોરેન્ટ અને 4 ક્લબ મળીને કુલ 31 જગ્યાએ ડાન્સપાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય મોટા ભાગના લોકો સીજી રોડ, એસજી હાઈવે, વસ્ત્રાપુર તળાવ, સિંધુ ભવન રોડ તેમજ કાંકરિયા જાય છે. આ તમામ જગ્યાઓને ધ્યાનમાં રાખીને 10 હજાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. છેડતી રોકવા તેમજ રોડ રોમિયોને પકડવા મહિલા પોલીસની 52 ‘શી’ ટીમ તેમજ મહિલા ક્રાઈમ બ્રાન્ચની 8 ટીમો મળીને મહિલા પોલીસની 60 ટીમો તહેનાત રહેશે. પીધેલાઓને પકડવા ટ્રાફિક પોલીસના જવાનો 300 બ્રેથ એનેલાઈઝર સાથે તહેનાત રહેશે.

કંટ્રોલ રૂમના ડીસીપી વિજય પટેલે જણાવ્યું કે અમદાવાદના રસ્તા પર લાગેલા 1006 સીસીટીવીથી પોલીસ કમિશનર કચેરી ખાતેના કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ થશે. ડાન્સપાર્ટીના સ્થળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ વગેરે મળીને દરેક જગ્યાએ ઓછામાં ઓછા 15 સીસીટીવી લગાવવા આયોજકો માટે ફરજિયાત છે. જેના રેકોર્ડિંગની સીડી આયોજકોએ બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી પડશે. રેવ પાર્ટી તેમજ તેનું ઓન લાઈન બુકિંગ થતું હોય તો રોકવા સાઈબર ક્રાઈમની ટીમો કામ કરી રહી છે. આ પ્રકારની પાર્ટીઓ ઉપર બાજ નજર રાખવા માટે એનસીબી, ક્રાઈમ બ્રાન્ચ, સાઈબર ક્રાઈમ અને એટીએસની ટીમો કામ કરી રહી છે.

લોન-પાર્ટી પ્લોટમાં રાતે 10 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડીને ડાન્સપાર્ટી યોજી શકાશે. જ્યારે બંધ હોલમાં રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડીને ડાન્સપાર્ટી યોજી શકાશે. આ સમયનું દરેક આયોજકે ફરજિયાત પાલન કરવાનું રહેશે.
સીજી રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી 31મીએ સાંજે 6 વાગ્યાથી સીજી રોડ તમામ વાહનો માટે બંધ કરવામાં આવશે. જ્યારે એસજી હાઈવે ઉપર રાતે 8 વાગ્યાથી ભારેથી અતિભારે વાહનો માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વૈકલ્પિક રૂટ તરીકે ભારે વાહનો એસપી રિંગ રોડ પરથી જઈ શકશે. લોકોના ધસારાને ધ્યાનમાં રાખી કાંકરિયા ફરતે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

સીજી રોડ, એસજી હાઈવે, કાંકરિયા મોટી સંખ્યામાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા આવે છે. જેમાં બાળકો માતા-પિતાથી જુદા પડી જાય, મોબાઈલ ફોન – પાકીટ ચોરાઇ જાય તેમજ છેડતીની ઘટનામાં જે તે સેન્ટર પરથી તાત્કાલિક પોલીસની મદદ મળી રહેશે.

બંદોબસ્ત
31 સ્થળે ડાન્સ પાર્ટી
10,000 પોલીસ બંદોબસ્ત
1600 CCTVથી નજર
285 હોક સ્કવોડ, PCRનું પેટ્રોલિંગ
300 બ્રેથ એનેલાઈઝર
60 એન્ટિ રોમિયો સ્કવોડ