એલર્ટ@બનાસકાંઠા: કલેકટરનો તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

અટલ સમાચાર, પાલનપુર
બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા પણ તમામ અધિકારીઓને આગાહી દરમિયાન હેડ ક્વાર્ટર ન છોડવા માટે આદેશ અપાયો છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આગામી તારીખ 27 થી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
જિલ્લા કલેકટર સંદીપ સાગલે પણ તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે અને બનાસકાંઠા જિલ્લાના તમામ ચીફ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત ડિઝાસ્ટાર મેનેજમેન્ટના તમામ અધિકારીઓને પણ આ સમયગાળા દરમિયાન ભારે વરસાદના પગલે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, ભારે વરસાદથી માલસામાનને નુકશાન ન થાય તે માટે તકેદારીના ભાગ રૂપે તૈયાર રહેવા માટે સૂચના આપી છે. સાથે સાથે તમામ જિલ્લાના અધિકારીઓએ આ સમયગાળા દરમિયાન હેડ ક્વાર્ટર ન છોડવા માટે પણ આ આદેશ જારી કરાયો છે.