અંબાજી: ભાદરવી પુનમના મહામેળાને અનુલક્ષી અધિકારીઓની બેઠક યોજાઇ 

અટલ સમાચાર, અંબાજી વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે દર વર્ષે યોજાતો ભાદરવી પુનમનો મહામેળો આ વર્ષે તા. ૮ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. મેળાને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ધ્વારા સુદ્રઢ આયોજન કરીને વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવનાર છે. અંબાજી ભાદરવી મહામેળાના આયોજન અંગે પાલનપુર મુકામે બનાસકાંઠા કલેકટર કમ અંબાજી
 
અંબાજી: ભાદરવી પુનમના મહામેળાને અનુલક્ષી અધિકારીઓની બેઠક યોજાઇ 

અટલ સમાચાર, અંબાજી 

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે દર વર્ષે યોજાતો ભાદરવી પુનમનો મહામેળો આ વર્ષે તા. ૮ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. મેળાને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ધ્વારા સુદ્રઢ આયોજન કરીને વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવનાર છે.

અંબાજી ભાદરવી મહામેળાના આયોજન અંગે પાલનપુર મુકામે બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરે અધિકારીઓને કહ્યું કે, ગયા વર્ષે યોજાયેલ મહામેળાની વ્યવસ્થાને લોકો અને શ્રધ્ધાળુંઓ ખુબ વખાણી હતી. આ વર્ષે પણ સ્વચ્છતા અને શ્રધ્ધાળુંઓની સુવિધાઓને મહત્વ આપી મેળામાં સરસ કામગીરી કરીએ. તેમણે વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન અને જરૂરી સુચના આપતાં જણાવ્યુ કે, મેળા પ્રસંગે દૂરદૂરથી લાખો યાત્રીકો માતાજીના દર્શનાર્થે આવે છે ત્યારે યાત્રીકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન કરી પરત ફરે તે માટે સૌ કાળજીપૂર્વક અને સેવાભાવના સાથે કામગીરી કરીએ. કલેકટરરે કહ્યું કે શ્રધ્ધાળુઓની સેવામાં કોઇ કચાશ ન રહે તેની વિશેષ કાળજી રાખીએ.

બેઠકમાં પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, ટ્રાફિક નિયમન, રખડતા ઢોરોનું નિયંત્રણ, ફાયર ફાઇટર, ખાધ પદાર્થોની ચકાસણી, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર મુકામે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધા અંગે વગેરે સહિત વિવિધ વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી વ્યવસ્થા સુદ્રઢ બનાવવા કલેકટરે અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. કલેકટરે તમામ કચેરીના અધિકારીઓને મેળા માટે માઇક્રોપ્લાનીંગ કરી તે પ્રમાણે કામગીરી કરવા જણાવ્યું હતું.

ભાદરવી પૂનમના મેળા પ્રસંગે પોલીસ અને સુરક્ષા દળના જવાનો પુરતી સંખ્યામાં તૈનાત કરાશે. ઉપરાંત અંબાજી મુકામે વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મુકવામાં આવશે. જેથી મેળાની તમામ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી નિયંત્રણ રાખી શકાય. વીજપુરવઠો સતત જાળવવા તથા લાઇટ જવાના કિસ્સામાં ઇન્વર્ટર સીસ્ટમ, જનરેટર તથા સોલાર લાઇટની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અંબાજી, હડાદ અને દાંતાની હોસ્પિટલો ચોવીસ કલાક ચાલુ રહેશે. મેળા પ્રસંગે આરોગ્ય કચેરી દ્વારા રસ્તા ઓ ઉપર ઠેરઠેર આરોગ્ય કેમ્પો કાર્યરત કરવામાં આવશે.

અંબાજી મુકામે મહત્વના સ્થળોએ મોટા એલ.ઇ.ડી. ગોઠવીને મેળાની તમામ વ્યવસ્થા ઉપરાંત યાત્રીકોને ઉપયોગી માહિતી સતત દર્શાવતા રહેવા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેમાં દર્શનનો સમય, સંબંધીત ફોન નંબરો અને જરૂરી માહિતી દર્શાવાશે. વાહનોના પાર્કિગ તથા પ્રવેશ પાસ આપવા જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.