આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા)

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ભાદરવી મહામેળાની હવે સોળે કળાએ જમાવટ થઇ રહી છે. લાખો પદયાત્રિકો દિવસ, રાત જય અંબે…. જય અંબે…..ના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહ્યા છે. અંબાજી જતા તમામ રસ્તાઓ પદયાત્રિકોથી ભરચક બની રહ્યા છે. અરવલ્લીની ગિરીમાળાઓમાં નવી ચેતનાનો સંચાર થયો છે. અંબાજી જેમ જેમ નજીક આવે તેમ તેમ પદયાત્રિકોના જોમ, જુસ્સા અને ઉત્સાહમાં અનેક ઘણો વધારો થતો જાય છે. અંબાજી મંદિરનું શિખર અને ધજા જોઇ યાત્રિકોના આનંદનો કોઇ પાર રહેતો નથી. ઘણા યાત્રિકો ભાવવિભોર બની જતા તેમની આંખોમાં હર્ષના આંસુ અને મોં પર અજોડ ભક્તિભાવ જોવા મળે છે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. માતાજીના દર્શન કરીને મંદિર બહાર આવતા યાત્રિકોના મોં પર આનંદ, ઉત્સાહ અને સંતોષ જોવા મળે છે. મંદિર ઉપર ધજાઓ ચડાવવાનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે. ચાચર ચોકમાં ભક્તિની ચરમ સીમા જોવા મળે છે. દૂર દૂરથી ચાલતા-પદયાત્રા કરીને દિવસોથી ચાલી રહેલા માઇભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બની હર્ષના આંસુ સાથે મંદિર બહાર આવી ભાવપૂર્વક વારંવાર મંદિરના શિખરને પણ નમન કરે છે. અંબાજી મંદિર પરિસર અને રસ્તાઓ પર માતાજીના અવિરત જયઘોષથી દિવ્ય માહોલની અનુભૂતિ થાય છે.

swaminarayan
advertise

બાજી ભાદરવી મહોમળો માઇભક્તો માટે યાદગાર સંભારણું બની રહે છે. પદયાત્રા દરમ્યાન જીવનની રોજીંદી ઘટમાળ અને ઘડિયાળના કાંટે ચાલતા ભૌતિક જીવનમાંથી માણસને મુક્તિનો અનુભવ થાય છે. પદયાત્રા દરમ્યાન યાત્રિકો પોતાનું ભૌતિક અસ્તિત્વ ભુલીને સૌની સાથે એક બની બસ જય અંબે…… જય અંબે…….જય ઘોષ સાથે જ ચાલતા રહેવાનું. ના કોઇ ટેન્શન કે ના કોઇ ચિંતા. એકદમ મુક્ત, સ્વતંત્ર અને ભક્તિમાં લીન બની જવાનું. ઇચ્છા થાય ત્યારે ચાલવાનું, મન થાય ત્યારે બેસીને આરામ કરવાનું અને વળી ભક્તિની મોજ આવે તો ગમે ત્યાં ગરબે ઘુમી નાચી પણ લેવાનું. જે લોકો ક્યારેય કોઇ પ્રસંગમાં ડાન્સ કરી શકતા નથી કે પોતાના ગામની માંડવડીમાં નવરાત્રિમાં ગરબે પણ નથી રમી શકતા તેવા ઘણા લોકો અત્યારે મહામેળામાં માતાજીની ભક્તિમાં ઝુમી, ગરબા રમતા જોવા મળ્યા છે.

યાત્રિકોની સેવા અને સુવિધા માટે જિલ્લા વહીવટીતંત્ર ખડેપગે વ્યસ્ત

લાખો માઇભક્તોની સેવા અને સુવિધાઓ માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર સુદ્રઢ આયોજન કરીને વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ મેળાની વ્યવસ્થા જાળવવામાં ખડેપગે વ્યસ્ત છે. અંબાજી મુકામે અને રસ્તાઓ ઉપર રાત, દિવસ ત્રણ શીફ્ટમાં સતત સફાઇ કરવામાં આવે છે. ટ્રસ્ટ ધ્વારા અંબાજી ખાતે ૩ સ્થળોએ વિનામૂલ્યે ભોજનની સરસ સુવિધાનો યાત્રિકો લાભ લઇ રહ્યા છે. તમામ સ્થળોએ લાઇટીંગની ખુબ જ સારી સુવિધા કરવામાં આવે છે. યાત્રિકોની ભીડવાળી ૧૩ જગ્યાઓએ ઇન્વર્ટર, ૨૯ સ્થળોએ સોલાર સ્ટ્રીટ લાઇટ અને ૧૪ જગ્યાએ જનરેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સંખ્યાબંધ સ્થળોએ કામચલાઉ ટોયલેટ બ્લોક અને મોબાઇલ ટોયલેટ બ્લોકની પણ વ્યવસ્થા કરાઇ છે.

સમગ્ર મેળાને સી.સી.ટી.વી સર્વેલન્સ સીસ્ટમથી આવરી લેવાયો

સમગ્ર મેળાને સી.સી.ટી.વી. સર્વેલન્સ સીસ્ટમથી આવરી લેવામાં આવ્યો છે. બનાસકાંઠા પોલીસના પરામર્શમાં રહીને ટ્રસ્ટ દ્વારા ૧૬૮ જગ્યાએ ફીક્સ કેમેરા, ૨૬ જગ્યાએ પી.ટી.ઝેડ કેમેરા તથા બે જગ્યાએ પેનારોમીક કેમેરા એમ કુલ-૧૯૬ કેમેરાની વ્યવસ્થા ગોઠવી મેળાની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખાવામાં આવી રહી છે.

પોલીસ વિભાગની સંગીન વ્યવસ્થા

અંબાજી મહામેળા પ્રસંગે બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી અજીત રાજ્યાનની સુચના અને માર્ગદર્શન અનુસાર સુરક્ષાને લગતી વ્યવસ્થા ચુસ્ત રીતે ગોઠવવામાં આવી છે. બંદોબસ્ત માટે સમગ્ર વિસ્તારને સેક્ટર-ઝોન પ્રમાણે વહેંચણી કરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડી.વાય.એસ.પી.-૨૦, પી.આઇ.-૫૭, પી.એસ.આઇ.-૧૮૫ તેમજ પુરતી સંખ્યામાં પોલીસ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનો તૈનાત છે. પોલીસ ધ્વારા મોબાઇલ પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે. ૨૭ જેટલાં વોચ ટાવર બનાવીને સમગ્ર પરિસ્થિતિ ઉપર ઝીણવટભરી નજર રાખવામાં આવે છે. પોલીસ વિભાગ દ્વારા અત્યાધુનિક હથિયારો અને દૂરબીન, વોકીટોકી સાથે વોચ રાખવામાં આવે છે.

આરોગ્ય વિભાગની સેવાઓ

મેળા પ્રસંગે યાત્રિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બનાસકાંઠા દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી કોટેજ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાંતા ખાતે ૯ નિષ્ણાંત ર્ડાકટરો જેમાં ઓર્થોપેડીક, સર્જન, ફીઝીશીયન, પીડીયાટ્રીશીયન, એનેસ્થેટીક ર્ડાકટરો તેમની ટીમ સાથે ઉપલબ્ધ છે. અંબાજી જતા રસ્તાઓ પર ૩૧ સ્થળોએ સારવાર સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે. ઇમરજન્સી ૧૦૮ અંતર્ગત ૧૦ સ્થળોએ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. મેડીકલ ઓફીસર, ફાર્માસીસ્ટ, સ્ત્રી આરોગ્ય કાર્યકર સહિત ૧૬૮ નો તબીબી સ્ટાફ કાર્યરત છે.

કલેકટર સંદીપ સાગલેની વ્યવસ્થાઓ પર સીધી નજર

બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટરના ચેરમેન સંદીપ સાગલે મેળાની તમામ વ્યવસ્થાઓ ઉપર ઝીણવટભરી નજર રાખી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપે છે. તેઓ સરપ્રાઇઝ વિઝીટ કરીને વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરે છે. યાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી અને તરત જ ઉપલબ્ધ થાય તે માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અધિકારીઓ સાથે મિટીંગો કરીને, ફિડબેક મેળવીને, સમીક્ષા કરીને તેમજ યાત્રિકો સાથે રૂબરૂ મુલાકાત કરી કલેક્ટર પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે.

ગબ્બર ઉપર પણ માઇભક્તોની ભારે ભીડ

માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન મનાતા ગબ્બર પર્વત ખાતે પણ માઇભક્તોની ભારે ભીડ રહે છે. અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકો પૈકી ઘણા યાત્રિકો ગબ્બર પર્વત ઉપર દર્શન કરવા અચૂક જાય છે. ગબ્બર મુકામે ૫૧ શક્તિપીઠોનું નિર્માણ થતાં માઇભક્તો હવે અંબાજી આવીને દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. ગબ્બર ઉપર જવા માટે રોપ-વે અને પગથીયાની સગવડ હોવાથી માઇક્તોને સારી સુવિધા મળે છે. ગબ્બર પર્વત ખાતે પણ જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ધ્વારા વ્યાપક સુવિધાઓ કરવામાં આવી છે. મેળા પ્રસંગે વહીવટીતંત્ર ધ્વારા ગોઠવાયેલ તમામ વ્યવસ્થાઓ વીજળી, આરોગ્ય, સુરક્ષા, સ્વચ્છતા, વિનામૂલ્યે ભોજન, વિસામા, પરિવહન વગેરે સરસ રીતે જળવાઇ રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code