અટલ સમાચાર.મહેસાણા
ગામડાના સરપંચોની સત્તા પર કાપ મુકાતા રોષે ભરાયેલા સરપંચો દ્વારા આ મામલે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરવામાં આવી હતી.રાજ્ય સરકાર દ્વારા ચેકો પર તલાટી કમમંત્રીની સહી ફરજીયાત કરાઇ છે અને સરપંચો પાસેથી સત્તા આંચકી લેવાઇ છે. ત્યારે આ મામલે મહેસાણા જિલ્લા સરપંચ હિત સમિતિ દ્વારા સરકારને આવેદન આપી સરપંચોની સત્તા પાછી આપવા અને હકારાત્મક નિર્ણય લેવામાં નહી આવેતો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચિંમકી ઉચ્ચારવામાં આવી છે.




મહેસાણા જિલ્લા સરપંચ હિત સમિતિના તમામ તાલુકામાંથી આવેલ સરપંચ પ્રતિનિધિઓએ બુધવારે રાજ્યપાલને રાજ્યભવનમાં રૂબરૂ સરપંચોની સમસ્યાઓ અને માંગણીઓ બાબતે વિસ્તૃત ચર્ચા કરી સમગ્ર બાબતે જાણકારી આપી અને આ બાબતે તેઓ દ્વારા ખૂબ હકારાત્મક વિચાર સાથે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. સાથે ગુજરાત રાજ્યના સચિવાલય ખાતે રાજ્યના મુખ્યમંત્રીના કાર્યાલય ની મુલાકાત લઇ કાર્યાલયમાં આવેદન પત્ર આપ્યું તેમજ ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતાના કાર્યાલય ખાતે પણ આવેદન પત્ર આપ્યું અને સમસ્યાઓ,માંગણીઓ બાબતે આગામી સમયમાં વિધાનસભા ના પટલ ઉપર આ મુદ્દાની ચર્ચા કરવામાં આવશે તેવું હકારાત્મક આશ્વાસન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું.