આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

મોડાસા સિંચાઇ વિભાગની વહીવટી કામગીરી બાબતે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. બજેટની જોગવાઈથી આગળ વધીને ઈજનેર અને તેમની ટીમે કરોડોનો ખર્ચ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. ચેકડેમ અને ડેમના વિવિધ કામો કરી દીધા બાદ સર્કલ ઓફિસે ગ્રાન્ટની માંગણી કરતાં બધું બહાર આવ્યું છે. સૌથી મોટી વાત એ સામે આવી કે, એક અધિકારીએ કહ્યું 5 કરોડના કામો મંજૂરી વગર કર્યા તો ખર્ચ કરનાર ઈજનેરે કહ્યું કે, સરેરાશ અઢી કરોડના જ વધારાના કર્યા છે. આવી સ્થિતિમાં કરોડોના કામો પણ હવે શંકાસ્પદ બની ગયા છે. દલીલમાં બંને કચેરીએ સામસામે વિગતો રજૂ કરી છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્ટેટ સિંચાઇ વિભાગની સર્કલ ઓફિસ આવેલી છે. આ સર્કલ કચેરી હેઠળ કુલ 4 ડિવીઝન ઓફિસ આવેલી હોઈ સિંચાઇ લગત વિવિધ કામો કરે છે. આ તમામ ડીવીઝનને બજેટની મર્યાદામાં રહીને ખર્ચ કરી કામો કરવાની મંજૂરી છે. જોકે ચાલુ નાણાંકીય વર્ષ 2020-2021 માં મોડાસા ડીવીઝને જાણે આપખુદ બની મર્યાદા બહાર ખર્ચ કરી દેતાં હડકંપ મચી ગયો છે. આ ખર્ચ કર્યા બાદ કામો કરનાર ઠેકેદારોએ બીલો મુજબ રકમની માંગણી કરતાં ગ્રાન્ટ નથી તેવું ધ્યાને આવ્યું હતું. આથી ગ્રાન્ટ મેળવવા સર્કલ ઓફિસે ગયા તો ખબર પડી કે ગ્રાન્ટ તો ક્યારનીયે આપી દીધી છે. આ તો વધારાનાં કામો કરી ગ્રાન્ટ મેળવવા મથી રહ્યા છે. જેથી હવે ઠેકેદારો, ડીવીઝન કચેરી અને સર્કલ ઓફિસ માટે બરોબરની દોડધામ મચી છે. આ વધારાના ખર્ચ બાબતે પણ ગંભીર વિસંગતતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

હિંમતનગર સર્કલ ઓફિસના સુપ્રિટેન્ડન્ટ ઈજનેર કોટવાલે જણાવ્યું હતું કે, બજેટની મર્યાદા બહાર જઈને મોડાસા સિંચાઇ યોજના ડીવીઝને સરેરાશ 5 કરોડનો ખર્ચ કર્યો છે. આથી હવે જોગવાઈ વગરના ખર્ચની ગ્રાન્ટ ક્યાંથી મળે. આ તરફ મોડાસા સિંચાઇ યોજના ડીવીઝનના ડેપ્યુટી ઈજનેર પટેલીયા કમલેશભાઈએ જણાવ્યું હતું કે, સરેરાશ અઢી કરોડ જોગવાઈથી વધારે ખર્ચાયા છે. આ બાબત દર વર્ષે દરેક ડીવીઝનમાં થાય છે તો નવાઇ નથી. પાછળથી વધારાના કામોના ખર્ચને મંજૂરી આપી ચૂકવણા પણ થાય છે.

હવે બંને અધિકારીની વિગતો આધારે સૌથી મોટો સવાલ ઉભો થયો છે કે, ડીવીઝને આપખુદ બનીને કેમ ખર્ચ કર્યો? વધારાના ખર્ચમાં ભયંકર વિસંગતતા કેમ? કેમ ચોક્કસ ઠેકેદારને જ મોટાભાગના કામો મળ્યા? વહીવટી પારદર્શિતા કેમ નથી જાળવી? આ તમામ સવાલો હિંમતનગર સિંચાઇ વિભાગ વિરુદ્ધ ગંભીર શંકાઓ ઉભી કરી રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code