અતિગંભીર@સીંગવડ: તાલુકા સભ્યો પણ મનરેગાના બેફામ ભ્રષ્ટાચાર સામે લાચાર, આપવીતી જણાવી
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સીંગવડ તાલુકામાં સમગ્ર ગુજરાતનો સૌથી મોટો અને અતિ ભયંકર મનરેગા ભ્રષ્ટાચાર છે ત્યારે તમે વિચારી ના શકો તેવો ઘટસ્ફોટ સામે આવ્યો છે. તાલુકા પંચાયતના ચુંટાયેલા કેટલાક સભ્યો પણ મનરેગાના દાદાગીરી સાથેના ભ્રષ્ટાચાર સામે લાચાર હોવાનું જણાવ્યું છે. વારંવાર ભ્રષ્ટાચારની ફરિયાદ કરી ચૂક્યા અને ખુદ સભ્યોને કામ લેવું હોય તો ઘટવું કરવા મજબૂર થવું પડે છે. કોઈ એજન્સી, એજન્ટ અને મનરેગાના ભ્રષ્ટો ભેગાં મળીને રીતસર મનફાવે તેવું કૌભાંડ કરી રહ્યાનુ એક સભ્યએ જણાવતાં ખળભળાટ મચી ગયો છે.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં મનરેગાના ભ્રષ્ટાચાર વિરુદ્ધ હવે જન આંદોલનની શરૂઆત થતી જાય છે. અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ બાદ સભ્યોનો અવાજ ભ્રષ્ટાચાર સામે ખુલીને બહાર આવ્યો છે. એક સભ્યએ આપવીતી જણાવી કે, ભ્રષ્ટાચારમાં એક આખી ટોળકી કોઈના કહ્યામાં નથી, ખુદ સભ્યોને પણ ટકાવારી આપવા મજબૂર કરાય છે. એક બીજા સભ્યએ જણાવ્યું કે, અમારા સાચા કૂવાના કામો મંજૂર કરતાં નથી અને ભ્રષ્ટાચારી કૂવાઓ તાત્કાલિક મંજૂર થાય છે. આ સભ્યએ તો ત્યાં સુધી જણાવ્યું કે, અનેક ગામોમાં એક નહિ હજારો કામો કાગળ ઉપર છે પણ અમારૂં સાંભળતાં નથી.
સૂત્રોએ જણાવ્યું કે, સીંગવડ તાલુકા પંચાયતના વિપક્ષના જ નહિ પરંતુ શાસક પક્ષના સભ્યો પણ મનરેગાના ભ્રષ્ટાચાર સામે નારાજ છે. કેટલાક સભ્યોએ તો નામજોગ યાદી સાથે કાગળ ઉપરના કામોનો દાવો કરી ચેલેન્જ કરતાં ચકચાર મચી ગઇ છે. હવે આટઆટલો મહા ભયંકર, બેફામ અને દાદાગીરી સાથેનો ભ્રષ્ટાચાર હોવા છતાં, ખુદ તાલુકા સભ્યો પણ ભ્રષ્ટાચાર હોવાનું જણાવતાં છતાં ટીડીઓ મેહુલ ભાભોર અને એપીઓ કલ્પનાબેનને કેમ ભ્રષ્ટાચાર દેખાતો નથી. મનરેગા એક્ટની જોગવાઈ છે કે, ભ્રષ્ટાચારની પુરાવા વગરની રજૂઆત લેખિત અથવા મૌખિક ધ્યાને આવે તો પણ દીન 14 માં તેની તટસ્થ તપાસ કરવાનું કહ્યું છે. હવે અહીં સીંગવડ તાલુકાના કુલ ગામમાંથી અડધોઅડધ ગામમાં મનરેગાનો ભ્રષ્ટાચાર છે તો ટીડીઓ અને એપીઓ કેમ ચૂપ છે. વાંચો નીચેના ફકરામાં.
સીંગવડ તાલુકા પંચાયતમાં મનરેગાના કાયદાનો સંપૂર્ણ દૂરૂપયોગ કરી સરકારના કરોડો રૂપિયા ગેરકાયદેસર રીતે હડપી લેનાર ભ્રષ્ટાચારીઓને અટલ સમાચાર નામજોગ ખુલ્લા પાડશે. અમોને પાક્કી માહિતી છે કે, આ મહા ભયંકર ભ્રષ્ટાચારમાં કરારી કર્મચારી, એજન્ટો, એજન્સીઓ અને કેટલાક મળતિયાઓ સામેલ છે. જો ગાંધીનગરની ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરી ધારે તો એક અઠવાડિયામાં ભ્રષ્ટાચાર શોધી પોલીસ ફરિયાદ દાખલ કરાવી ભ્રષ્ટાચારીઓને જેલભેગા કરી શકે છે. જોકે હવે તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને અટલ સમાચાર મનરેગાના નામે લૂંટ ચલાવનાર ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડશે.