અપડેટ@ગુજરાત: ડોક્ટરે મહિલાની પ્રસૂતિ કરતી વખતે બેદરકારી દાખવતા મહિલા અને બાળકનો જીવ જોખમમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વુમન એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટરે મહિલાની પ્રસૂતિ કરતી વખતે બેદરકારી દાખવતા મહિલા અને બાળકનો જીવ જોખમમાં આવી ગયો હતો. ડિલિવરી બાદ પણ મહિલાને દુઃખાવો રહેતા વેપારી પત્નીનો રિપોર્ટ લઇને ડોક્ટર પાસે ગયા ત્યારે ડોક્ટરે કહ્યું કે બ્લડ ગંઠાઈ ગયું હોવાનું જણાવ્યું હતું. દવા આપ્યા બાદ પણ મહિલાને દુઃખાવો રહેતા પત્નીની સોનોગ્રાફી કરાવી હતી જેમાં જાણવા મળ્યું કે મહિલાના શરીરના ગુપ્તભાગમાં રહી ગયેલો બગાડ ડોક્ટરે ડિલિવરી બાદ કાઢ્યો જ ન હતો, જેથી ડોક્ટરે ખોટું બોલીને મહિલા અને તેના બાળકનો જીવ જોખમમાં મૂક્યો હતો.
આ અંગે મહિલાના પતિએ ડોક્ટર વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.બહેરામપુરામાં રહેતા અબ્દુલશહીદ શેખ સ્ટીમ પ્રેસનું કારખાનું ધરાવે છે. ગત સપ્ટેમ્બર 2022માં તેમની પત્નીને ગર્ભ રહી જતા ચેકઅપ માટે ડોક્ટર ફરહીન રાધનપુરી પાસે ગયા હતા. જેઓ આયત વુમન એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કામ કરે છે. જેમાં ડોક્ટરે અબ્દુલશહીદને જણાવ્યું હતું કે જોડિયા બાળકોનો ગર્ભ છે તેમ કહ્યું હતું.
જે બાદ પત્નીને તાવ આવતા એક દિવસ એડમીટ કરી હતી. ગત 30 જાન્યુઆરીએ પત્નીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તે વખતે ડોક્ટરે સિઝર ઓપરેશન કર્યું હતું. પરંતુ 45 દિવસ બાદ પણ પત્નીને તકલીફ રહેતા ડોક્ટર પાસે જતા તેમણે દવા આપી રિપોર્ટ કરાવવા જણાવ્યું હતું.
જે બાદ અબ્દુલશહીદભાઇએ તેમની પત્નીની અન્ય ડોક્ટર પાસે સોનોગ્રાફી કરાવતા સામે આવ્યું હતું કે ડિલિવરી સમય જે બગાડ હોય તે કાઢવાનું ડોક્ટર ભૂલી ગયા હતા અને તે પત્નીના પેટમાં જ રહી ગયો હતો. જેથી તેઓ રિપોર્ટ લઇને પત્નીની સાથે ડોક્ટર ફરહીન પાસે ગયા હતા જેમાં ડોક્ટરે કહ્યું કે આ બગાડ નથી બ્લડનો ગઠ્ઠો છે. જેથી ડોક્ટરે ખોટું બોલીને મહિલા અને તેના બાળકનો જીવ જોખમમાં મૂક્યો હતો. આ અંગે અબ્દુલશહીદે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર ફરહીન રાધનપુરી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.