અવનવું@ઝાલોદ: જિલ્લા રજીસ્ટ્રારે આદેશ વગરનો પત્ર ફોરવર્ડ કર્યો, જવાબદારીથી બચવાનું આવું કેવું?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સત્તાધિશોએ પ્લોટ ફાળવણી માટે કરેલ વહીવટી પ્રક્રિયા વિરુદ્ધ રજૂઆત આધારે થયેલી તપાસ અને પછીનો ઘટનાક્રમ વિવિધ વળાંકોમાંથી પસાર થઈ રહ્યો છે. તપાસમાં ભયંકર બેદરકારી, ક્ષતિઓ, ક્યાંક જુઠ્ઠાણું હોવા છતાં તપાસ રીપોર્ટ ઉપર જિલ્લા રજીસ્ટ્રાર કોઈ અભિપ્રાય નક્કી કરતાં નથી. આટલુ જ નહિ, સૌથી મોટી ચોંકાવનારી અને વિચિત્ર સ્થિતિ ત્યારે બની જ્યારે અરજદારે તપાસ રીપોર્ટ ઉપર ફરી રજૂઆત કરી તો જિલ્લા રજીસ્ટ્રાર તાબા હેઠળના અધિકારીને માત્ર પત્ર ફોરવર્ડ કરી સંતોષ માન્યો. અરે સાહેબ તમારી સમક્ષ આવતી રજૂઆત ઉપર તાબા હેઠળના સહકારી અધિકારી કમ તપાસ અધિકારીને સુચના આપ્યા વગર માત્ર જાણ સારું થાય ? તો તમારો આદેશ, સુચના કે આવેલ રજૂઆત ઉપર શું કરવાનું એ સહકારી અધિકારી જાતે નક્કી કરશે? આવું કેવું? નિયામક અને રાજ્ય રજીસ્ટ્રાર કચેરી આ તપાસમાં જિલ્લા રજીસ્ટ્રારને જ મુખ્ય વ્યક્તિ ગણી દાહોદ જિલ્લા રજીસ્ટ્રારને જ પૂછશે અથવા પત્ર કરશે ત્યારે જિલ્લા રજીસ્ટ્રાર કેમ કાગળ ઉપર જવાબદારી બતાવતાં નથી? આ પત્રમાં કેટલી અને કેવી ક્ષતિ તેમજ હકીકતમાં આ પત્ર આધારે શું થાય તેનો સ્પેશ્યલ રીપોર્ટ.
દાહોદ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્લોટ ફાળવણી સહિતના અનેક કામોની તપાસ થઈ ગઈ. આ તપાસ જિલ્લા રજીસ્ટ્રારે તાબા હેઠળના સહકારી અધિકારીને સુચના આપી પૂર્ણ કરાવી લીધી. આ પછી રજૂઆતકર્તા વિજયભાઈ કોળીએ સદર તપાસ મામલે ફરીથી અરજી કરતાં જિલ્લા રજીસ્ટ્રારે શું કર્યું તે વાંચી ઘડીભર અવનવું અથવા માથું ખંજવાળવા જેવું થશે. અરજદારના પત્ર આધારે દાહોદ જિલ્લા રજીસ્ટ્રારે તાબા હેઠળના સહકારી અધિકારીને કહ્યું કે, અરજદારની અરજી 14/7/25ના રોજ મળી તેમાં લખ્યું કે, તપાસ અધિકારીએ સદર અરજીની તપાસ કાયદા મુજબ અને સ્થળ ઉપર ગયા વગર કરી છે. તેમ જણાવી અરજીની પુન: તપાસ કરી જે તે કલમ સાથે તપાસ રીપોર્ટ આપવા વિનંતી કરી છે. અરજી આ સાથે સામેલ છે. નીચેના ફકરામાં વાંચો આદેશ વગરનો ફોરવર્ડ પત્ર કેમ કહેવાય.
સૂત્રોએ જણાવ્યું હતું, ગુજરાત જ નહિ ભારતભરની કોઈપણ સરકારી કચેરીના વડાને જ્યારે કોઈપણ રજૂઆત કે અરજી મળે ત્યારે એ અરજી ઉપર શું કરવું અથવા આવું (નિયમાનુસાર) કરવું તેવું ફરજિયાત લખીને તાબા હેઠળના અધિકારીને જણાવાય છે. આ દાહોદ જિલ્લા રજીસ્ટ્રારે અરજી આધારે માત્ર અરજીમાં લખેલ શબ્દ જણાવી અરજી આ સાથે સામેલ કરીને જાણ સારું કર્યું. હવે આ જિલ્લા રજીસ્ટ્રારના પત્ર પછી અરજી આધારે શું કરવું તેનો સંપૂર્ણ નિર્ણય સહકારી અધિકારી ઉપર ઢોળી દીધો. અરે સાહેબજી અરજદારની અરજી આધારે કમસે કમ તાબા હેઠળના સહકારી અધિકારીને નિયમાનુસાર કરી અત્રેની કચેરીને જાણ કરવી એટલું તો લખવું પડે ને? મુખ્યમંત્રી કે કલેક્ટર સમક્ષ આવતી અરજીઓ આધારે પણ લાગતી વળગતી કચેરીને નિયમાનુસાર પ્રક્રિયા કરી અત્રેની કચેરીને અથવા અરજદારને જાણ કરવી એવું લખવામાં આવે છે. તો શું આ તમારો પત્ર માત્ર ફોરવર્ડ અથવા જાણ સારું પૂરતો સિમિત રહ્યો તે વ્યાજબી છે? નિયામક અથવા રાજ્ય રજીસ્ટ્રારનું જરાક માર્ગદર્શન પણ મેળવી શકો.