બનાવ@પાલનપુર:એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાતા હાર્ટએટેકના દર્દીનું મોત, બીજા રસ્તાનો પ્લાન પણ ફેલ

 
પાલનપુર

પાલનપુરમાં હાઇવે પર થતી ટ્રાફિકની સમસ્યાથી લોકો ભારે પરેશાન થઇ ગયા છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા દર્દી માટે જીવલેણ બની છે. શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં અડધો કલાક એમ્બ્યુલન્સ અટવાતા હાર્ટએટેકના દર્દીનું મોત નીપજ્યું છે. એમ્બ્યુલન્સ ચાલકે દર્દીને બચાવવા અલગ રસ્તા પર એમ્બ્યુલન્સ ચલાવી પરંતુ બીજા રસ્તા પર પણ ટ્રાફિકમાં અટવાતા દર્દી ચૌપારામ ચૌહાણનું મોત નીપજ્યુ છે.

આ દર્દીને પરિવારજનો સારવાર માટે રાજસ્થાનથી પાલનપુર લઈ આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા દર્દીનો જીવ ગયો છે. હોસ્પિટલ પહોંચતા જ તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. આ ટ્રાફિકની સમસ્યા હવે જીવલેણ બની રહી છે. પાલનપુરમાં ટ્રાફિકને કારણે રાજસ્થાનના દર્દીને જીવ ખોવાનો વારો આવ્યો છે. રાજસ્થાનના સનાવાડા ગામના ચૌપારામને હાર્ટ અટેક આવ્યો હતો. જેને કારણે રાજસ્થાનથી પરિવારજનો સારવાર માટે પાલનપુર લઇને આવી રહ્યા હતા આ દરમિયાન તેમની એમ્બ્યુલન્સ પાલનપુર હાઇવે પર ટ્રાફિકમાં ફસાઇ હતી.

ડ્રાઇવર દ્વારા અન્ય કોઇ રસ્તાથી હોસ્પિટલ પહોચવા પ્રયાસો હાથ ધર્યા હતા. અને જેમતેમ કરીને એમ્બ્યુલન્સ હાઇવે પરથી ચલાવી હતી પરંતુ હનુમાન ટેકરી વિસ્તારમાં ફરી આ એમ્બ્યુલન્સ અટવાઇ હતી. જેને કારણે હાર્ટ એટેકના દર્દીને સારવાર મળી શકી ન હતી. એમ્બ્યુલન્સ ચાલકે દર્દીને બચાવવા અલગ રસ્તા પર એમ્બ્યુલન્સ ચલાવી પરંતુ ત્યાં પણ ટ્રાફિકમાં અટવાતા આખરે દર્દીને સમયસર હોસ્પિટલ સુધી પહોચાડી શકાયા ન હતા. હોસ્પિટલ પહોંચતા જ તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી.