આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

રાધનપુર તાલુકામાં બાલસખા યોજનાની પારદર્શકતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે‌. સાંઇકૃપા હોસ્પિટલમાં સારવાર હેઠળ આવેલા અનેક લાભાર્થીઓ પૈકી કેટલાક કિસ્સામાં ચોંકાવનારી સ્થિતિ છે. જેમાં નાયકા ગામની મૃતક બાળકીના આયુષ્ય અને સારવારમાં સૌથી વધુ ભેદભરમ છે. બાળકીના આયુષ્ય સામે સારવારના દિવસો વધારે આવી રહ્યા છે. જેની સચોટ તપાસ બાદ સૌથી મોટો ઘટસ્ફોટ થઇ શકે તેવી આશંકા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલી સાંઇકૃપા હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ વચ્ચેના એમઓયુને લઈ લાભાર્થીઓના નિવેદનો સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યા છે. અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ બાદ અનેક કક્ષાએથી તીવ્ર ગતિએ દોડધામ ચાલી રહી છે. જેમાં સમી તાલુકાના નાયકા ગામના લાભાર્થી અને તેમની બાળકીનો કિસ્સો સૌથી વધુ મહત્વપૂર્ણ બનતો જાય છે. બજાણિયા સંગીતાબેન અશ્વિનભાઈને ગત 24/8/2019 ના રોજ ડીલીવરી થઈ હતી. ઘેર જ બાળકીનો જન્મ થયો હોઇ સારવાર માટે સમી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગયા હતા. એ જ દિવસે સમીથી રાધનપુર સાંઇકૃપા હોસ્પિટલ પહોંચ્યા હતા. સારવાર દરમ્યાન બાળકીનું મોત થતાં સંગીતાબેન અને અશ્વિનભાઈ ઘેર નાયકા પરત ફર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સંગીતાબેનની બાળકી જન્મ બાદ કેટલા દિવસો સુધી જીવી તેની સત્યતા અગત્યની બની છે. નાયકા ગામના પેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા બાળકીની જન્મ તારીખ 24/8/2019 અને મૃત્યુ તારીખ 26/8/2019 જણાવી છે. એટલે કે બાળકી 3 દિવસ જીવી હોવાની વાત સામે આવી છે. જ્યારે સાંઇકૃપા હોસ્પિટલે બાળકીને સતત 8 દિવસ સારવાર આપી હોવાનું જણાવી ખર્ચ 49,000 ગણાવ્યો છે.

બાળકીનું જીવન અને સારવારના દિવસોમાં મોટો તફાવત

રાધનપુરની સાંઇકૃપા હોસ્પિટલે 8 દિવસ સારવાર આપી હોવાનું તાલુકા આરોગ્ય કચેરીની માહિતીમાં સામે આવ્યું છે. જેની સામે બાળકી માત્ર 3 દિવસ જીવી હોવાનું તેના માતા-પિતા જણાવે છે. આવી સ્થિતિમાં બાળકીના મોત પછી પણ સારવાર ચાલુ હતી ? સારવારના દિવસો હકીકતના આયુષ્યથી વધુ કેમ ? આ સવાલો બાલસખા યોજનામાં સંકળાયેલી સાંઇકૃપા હોસ્પિટલના ડોક્ટરો માટે જ નહિ પરંતુ આરોગ્ય અધિકારીઓની ભૂમિકા સામે પણ મંથન કરાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code