બનાસકાંઠા: ભારે પવન સાથે વરસાદથી ધાણા અને જડીયાલીમાં તબેલાના સેડ ઉડ્યા
અટલ સમાચાર,પાલનપુર
થરાદ અને વાવ પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે ગુરૂવારે સાંજથી જ જોરદાર વાવાઝોડા સાથે થયેલા કમોસમી વરસાદથી ઘણું નુકસાન થયું છે. જેમાં ગઇકાલે મોડી રાતે વીજળી પડતા એક ખેડૂત સહિત બે ભેંસના મોત નીપજતાં અરેરાટી મચી ગઇ છે. ખેડૂત દાનાભાઇ ગાજવીજ સાથેનાં વરસાદમાં ખેતરમાં બાંધેલ બે ભેંસોનો બચાવ કરવા માટે ગયા હતાં ત્યાં જ તેમની પર વીજળી પડતા તેમનું મોત નીપજ્યું હતું. તેમની સાથે બે ભેંસોનાં પણ મોત થયા છે. હાલ ખેડૂતનાં મૃતદેહને પીએમ માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ગુરૂવારે મોડી સાંજથી વાવ, થરાદ પથંકમાં એકાએક ગાજવીજ અને પવનનાં સુસવાટા સાથે વરસાદ શરૂ થતાની સાથે જ અનેક વિસ્તારોમાં વીજળી ડુલ થઇ ગઇ હતી. લાખણી ના ધાણા ગામે મોડી રાત્રે જોરદાર વાવાઝોડાના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલા તબેલા ના શેડ ઉડી જતાં લાખો રૂપિયાનું નુકશાન થયું છે. જ્યારે શેડ ના પતરા ઉડીને પશુઓ પર પડતા પશુઓને પણ ગંભીર ઈજાઓ થઈ છે.
પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ થતા ઉનાળુ બાજરીના પાકને મોટું નુકસાન થયું છે તૈયાર થયેલી બાજરી પર વરસાદ થતાં ખેડૂતના મોઢામાં આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. વરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક અને માર્કેટયાર્ડમાં આવેલા કૃષિ આવકનો જથ્થો પલળી ન જાય તે માટે પણ દોડાદોડ મચી હતી. તો આજે પણ ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ થાય તેવી પણ આગાહી કરવામાં આવી છે.

