બેફામ@બારીયા: અંતેલા ગામને પાણીની ટાંકી આપી પરંતુ એક વર્ષથી લોકોને કનેક્શન વિના તડપાવતા ઈજનેરો

 
Bariya
એક વર્ષથી કનેક્શન આપ્યા વિના પાણીની ટાંકી ઉભી છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


દેવગઢબારિયા તાલુકામાં સરકારી યોજના હેઠળ ગ્રામજનોને દરકાર રાખવામાં આવે છે? યોજના તો બરોબર પરંતુ આવશ્યક સેવાઓમાં પણ ભયંકર બેદરકારી કેવીરીતે રાખી શકાય ? અંતેલા ગામના અનેક પરિવારોની ચિંતા કરી પાણી પુરવઠા વિભાગે લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી પરંતુ સ્થાનિક ઈજનેરો અને કોન્ટ્રાક્ટર એજન્સીવાળા નિષ્ફળ રહ્યા છે. એક વર્ષથી પાણીની ઓવરહેડ ટાંકી બનાવી દીધી પરંતુ કનેક્શન આપ્યા જ નથી એટલે સમજી શકાય કે, સરેરાશ 12 મહિનાથી ઈજનેરો, કોન્ટ્રાક્ટર અંતેલાના લાભાર્થી પરિવારોને તડપાવી રહ્યા છે. જેમાં ઉંડાણમાં વિગતો પૂછતાં જે સામે આવ્યું તે એનાથી પણ અતિશય નિંદાપાત્ર બન્યું છે. જાણીએ બેદરકારી, આવશ્યક સેવાઓ સમયસર આપવામાં ભયંકર નિષ્ફળતાનો સ્પેશ્યલ રિપોર્ટ.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના અંતેલા ગામને વધુ એક ઓવરહેડ પાણીની ટાંકી સરકારે આપી છે. આ ટાંકીમાં નજીકના અંડર ગ્રાઉન્ડ સંપમાંથી પાણી આવશે અને સંપમાં નર્મદાનું પાણી આવી રહ્યું છે. હવે સમગ્ર કામગીરીનો અહેવાલ સમજીએ તો પાણીની ટાંકી બનાવ્યાને સરેરાશ એક વર્ષ થયું પરંતુ આ ટાંકીમાંથી ગામના પરિવારોને પાણી મળતું નથી. જ્યારથી ટાંકી બનાવી ત્યારથી એકપણ ઘરને આ ટાંકીમાંથી પાણી મળ્યું નથી તેવું ગામલોકો જણાવી રહ્યા તે કેટલાં હદે ભયંકર કહેવાય? આ અંગે પાણી પુરવઠાના ઈજનેર હર્ષિલભાઇ બારીયાને પૂછતાં જણાવ્યું કે, જે એજન્સીને કામ આપ્યું તે એજન્સીએ પેટા કોન્ટ્રાક્ટ આપેલ એટલે પેટા એજન્સીએ બેદરકારી દાખવી છે. પાણી એ અતિ આવશ્યક અને તાત્કાલિક સુવિધા કરવાની શ્રેણીમાં આવે છતાં તમે વિચાર કરો, એક વર્ષથી કનેક્શન આપ્યા વિના પાણીની ટાંકી ઉભી છે. વાંચો નીચેના ફકરામાં ઘટસ્ફોટ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગામલોકોએ ભેગાં મળીને નવી બનાવેલ પાણીની ટાંકીની મુલાકાત લઈ કનેક્શન નહિ આપ્યાનો ચોંકાવનારો ખુલાસો કરી દીધો ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે. આ બાબતે જવાબદાર ટેકનિકલ કર્મચારી હર્ષિલભાઇ વધુમાં જણાવે છે કે, આર્યવ્રત નામે એજન્સીને અનેક જગ્યાએ કામો આપેલ છે પરંતુ અન્ય એક કામમાં પણ ખૂબ વિલંબ કર્યો હોવાથી ટર્મિનેટ કરેલ છે. અહિં સવાલ થાય છે કે, જો એજન્સી મોટાભાગના કામોમાં બેદરકારી દાખવી રહી તો કોના આશીર્વાદથી આવી લાલિયાવાડી ચાલી રહી છે? શું કર્મચારીઓ બદલાઈ જાય એમાં અથવા પેટા કોન્ટ્રાક્ટની પળોજણમાં ગામલોકોને પાણીના કનેક્શન બાબતે તડપાવવાના? આ બાબત ખૂબ જ ગંભીર બેદરકારી અને ઈરાદાપૂર્વકની નિષ્ફળતા હોઈ મજબૂત કાર્યવાહી પણ જરૂરી બનતી હોઈ આગામી ન્યૂઝ રીપોર્ટમાં ઘટસ્ફોટ જાણીએ.