બેફામ@પાંથાવાડા: ખનીજ ચોરીની ફરિયાદ છતાં બિંદાસ રેતીચોરી યથાવત, કોની છે મિલીભગત
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પાંથાવાડા પંથકમાં આવેલી સીપુ નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ આમ તો ઘણા સમયથી ચાલું છે પરંતુ તાજેતરની ઘટના અને હજુપણ ચાલતું અન અધિકૃત ખનન ચોંકાવનારૂ બન્યું છે. પાટણ જિલ્લાની ભૂસ્તરશાસ્ત્રીની ટીમે ગત માર્ચ મહિનામાં કરેલી તપાસ અને પછી દાખલ કરેલી પોલીસ ફરિયાદથી લાગતું હતું કે, ખનીજ માફિયા ઉપર કાયદાનો ડર આવશે. જોકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ખનીજ ચોરીની ફરિયાદ છતાં હજુપણ ઝાત પાસેથી પસાર થતી નદીમાંથી ગેરકાયદેસર ખનન ચાલું રહેતાં ચકચાર મચી છે. ખનીજ ચોરી કરતાં આ ઈસમો સ્થાનિક કોઈની મિલીભગતથી જ બેફામ અને બિંદાસ હોઈ શકે તેમ સામે આવ્યું છે. ફરિયાદ છતાં ખનીજ ચોરી કેવી રીતે ચાલે તેનો આ સ્પેશ્યલ રિપોર્ટ.
બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા નજીક ઝાત નામે ગામ આવેલું છે ત્યારે અહીંથી સીપુ નદી પસાર થાય છે. આ સીપુ નદીમાં ખૂબ પ્રમાણમાં રેતી હોઈ અવારનવાર નાના મોટા વાહનો ગેરકાયદેસર ખનન કરતાં હોઈ ભૂસ્તરશાસ્ત્રીની ટીમ તપાસ અર્થે આવે છે. જોકે હવે સૌથી વધુ ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે, ગત માર્ચ મહિનામાં પાટણ જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીની ટીમે આકસ્મિક તપાસ કરતાં કેટલાક ડમ્પર મળી આવ્યા હતા. આ ડમ્પરો ખાલી હતા પરંતુ ભૌગોલિક સ્થિતિ મુજબ ખનીજ ચોરીના ઇરાદે આવ્યા હોઈ નજીકના પોલીસ સ્ટેશને લાવી વાહનચાલકોની પૂછપરછ કરાઇ હતી. આ પછી પાટણ ભૂસ્તરશાસ્ત્રીના રીપોર્ટ આધારે બનાસકાંઠા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરીના ઇન્સ્પેક્ટરે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ધોરણસરની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે પોલીસ ફરિયાદ દાખલ થયાને ગણતરીના મહિનાઓમાં ફરીથી ઝાત નદી પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન ચાલું થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. કોણ અને કેવી રીતે ચલાવી રહ્યું બેફામ નેટવર્ક વાંચો નીચેના ફકરામાં
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઝાત ગામથી એકદમ નજીક આવેલી સીપુ નદીમાંથી ધોળા દિવસે પણ ડમ્પર સહિતના વાહનો મારફતે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે. આ અનઅધિકૃત ખનન હાઇવે પરથી પસાર થતાં સૌ કોઈને નજરે ચઢે તેવું છે. ગામનાં રાજકીય આગેવાનથી માંડી કોઈપણ નજીકના પોલીસ સ્ટેશને અથવા મામલતદાર કચેરીને જાણ કરી શકે તેવું હોવાનું સ્થાનિક જાગૃત નાગરિકે જણાવ્યું હતુ. તેમ છતાં બેફામ, બેરોકટોક, બિંદાસ અને કાયદાના ડર વગર સીપુ નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી ચાલુ રહેતાં ગંભીર સવાલો ઉભા થયા છે. આટલું જ નહિ, ખનનની ફરિયાદ પહેલા પણ અનેકવાર ખનીજ માફિયા ઉપર કાર્યવાહી થતી રહી પરંતુ ગામલોકોને બતાવવા ખાતર અથવા કેસ બનાવવા પૂરતાં કાગળો કરે પરંતુ ગણતરીના સમયમાં ફરીથી ગેરકાયદેસર ખનન અહીં શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં સકંજો કસનાર અથવા ટીમ બોલાવી શકનારની મિલીભગત વગર આ ગેરકાયદેસર ખનન શક્ય બને નહિ તેવું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું જાય છે. આથી બીજા રીપોર્ટમાં આ નેક્સસમાં કોણ કોણ સામેલ અને કોના છૂપા આશીર્વાદ તેનો ઘટસ્ફોટ જાણીશું.