બેફામ@પાટડી: મજબૂરી સામે ચાલબાજી, તગડા ભાવે પાનમસાલાનું વેચાણ

અટલ સમાચાર, પાટડી
પાટડી શહેર અને ગ્રામ્ય પંથકમાં પાનમસાલા અને તમાકું શોખીનો માટે અત્યંત આવશ્યક થઈ પડ્યું છે. હવે લોકડાઉન વચ્ચે મજબૂરી સામે ચાલબાજી રમી નફાનો ખેલ શરૂ થયો છે. જાહેરનામું હોવા છતાં તગડા ભાવે પાનમસાલાનું ગેરકાયદે વેચાણ થઇ રહ્યું છે. માલની ઉપલબ્ધતા અને સ્થળ સ્થિતિ મુજબ ડબલ અને ત્રિપલ ભાવે બેફામ વેચાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં તોલમાપ, આરોગ્ય અને સંબંધિત ઓથોરીટીની ભૂમિકા સામે સવાલો ઉભા થયા છે. હોલસેલથી છૂટક વેપારીઓ અને ત્યાંથી ગ્રાહક સુધી પહોંચવા સામે પોલીસની ભૂમિકા પણ મંથન કરાવી રહી છે. ખેતીકામ અને છૂટક મજૂરી કરતાં દયાજનક હાલતમાં પરિસ્થિતિ સામે લાચાર બન્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં લોકડાઉન વચ્ચે ચોંકાવનારી ઘટના સતત બની રહી છે. પાનમસાલા અને તમાકુનું ઉત્પાદન, વેચાણ અને હેરફેર સદંતર બંધ હોવા છતાં ગ્રાહકો સુધી આવે છે. ગુટખા અને તમાકુનું વેચાણ કરતાં ગલ્લા, લારી અને દુકાનો બંધ હોઇ સરળતાથી મેળવવુ અત્યંત મુશ્કેલ છે. આથી બજારના ભેજાબાજો બેફામ ભાવે વેચાણ કરી નફાનો કાળો કારોબાર ખેલી રહ્યા છે. ગ્રામ્ય ગ્રાહકોની મજબૂરીનો લાભ લઈ માલ ઓછો હોવાનું જણાવી ઈચ્છા મુજબના ભાવે વેચાણ કરી રહ્યા છે. જેની સામે પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, જિલ્લા તોલમાપ એકમ, તાલુકા આરોગ્ય અને સંબંધિત ઓથોરીટી સહિતના તરફથી ઠોસ કાર્યવાહી સામે આવી નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વિમલ, સિલ્વર, મિરાજ, તમાકુનો મસાલો સહિતના રૂટિન ભાવ સામે અત્યારે ત્રણ ગણાં ભાવે વેચાણ થાય છે. જથ્થો નહિ મળતો હોઇ અને ઉપરથી માલ નથી આવતો કહીને ગ્રાહકોને વધુ ભાવે ખરીદવા મજબૂર કરી રહ્યા છે. છૂટક મજૂરી અને રોજગાર ધંધા ઠપ્પ હોવાની વચ્ચે મજબૂરીમાં ઉંચા ભાવ આપતાં ગરીબ ગ્રાહકો નશા અને હાલની પરિસ્થિતિ સામે અત્યંત દયાજનક હાલતમાં આવ્યા છે.