બેફામ@સોનગઢ: સરકારી શાળાની દિવાલ ઉપર ખાનગી એકેડમીનો પ્રચાર, આર્શીવાદ કે દાદાગીરી?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સોનગઢ તાલુકામાં આદીજાતી વિભાગની સરકારી શાળાઓ છતાં ખાનગી એકેડમીઓનો દબદબો ઓછો નથી. સરકારી શાળાની દિવાલ ઉપર બેફામપણે જ્ઞાનતીર્થ એકેડમીનો બેરોકટોક પ્રચાર છે. આટલુ જ નહિ, આદર્શ નિવાસી શાળાના પ્રવેશ દ્વાર પાસે જ સરકારની સંપત્તિ ઉપર ખાનગી શાળાની જાહેરાત આખાય ગામને દેખાય એવી છે. વર્ષોથી કલરથી ચિતરેલી આ જાહેરખબરને કેમ અત્યાર સુધી સ્થાનિક પ્રાયોજના કે કલેક્ટરે નહિ જોઈ હોય? ગાંધીનગરથી મુલાકાતે જતાં અધિકારીઓને પણ આ ખાનગી જાહેરાત નથી દેખાઇ? શું સરકારી શાળાની બિલ્ડિંગ ઉપર ખાનગી શાળાનો પ્રચાર કાયદેસર છે? કોના આશીર્વાદથી કે કોની દાદાગીરીથી આ વેપારી જાહેરાતો ચાલુ તેનો સ્પેશ્યલ રિપોર્ટ.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આદિજાતિ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ એ ગુજરાત સરકારની નેમ છે. આ માટે રાજ્ય આદીજાતી વિભાગના ખૂબ પ્રયત્નો છે અને શક્ય તમામ ગ્રાન્ટ આપે છે પરંતુ અહિં સોનગઢની આદર્શ નિવાસી શાળાઓની તાત્કાલિક અસરથી સમિક્ષા કરવી પડે તેવી નોબત છે. સોનગઢ ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાની બિલ્ડિંગની દિવાલ ઉપર ખાનગી જ્ઞાનતીર્થ એકેડમીનો પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે. સરકારી જમીનની સરકારી દિવાલ ઉપર જ્ઞાનતીર્થ એકેડમીની શાળા અને હોસ્ટેલની જાહેરાત, સંપર્ક નંબર અને વિદ્યાર્થીઓને આકર્ષતું કલરકામ કરેલું છે. હવે સૌથી મોટો સવાલ થાય કે, સરકારી શાળાની દિવાલ ઉપર ખાનગી શાળાનો પ્રચાર, જાહેરાતની મંજૂરી છે? કેવીરીતે અને કોણે સરકારી શાળાની દિવાલનો આ પ્રકારે ઉપયોગ કરવા મદદ કરી અથવા આંખ આડા કાન કર્યા? વાંચો નીચેના ફકરામાં ઘટસ્ફોટ
સૂત્રોએ જણાવ્યું હતું કે, સોનગઢ ખાતે આદર્શ નિવાસી શાળાઓમાં મર્યાદિત સંખ્યાનો પ્રવેશ હોઈ અહિં છેલ્લા કેટલાક સમયથી ખાનગી શાળાઓ વધી છે. હવે અહિં સુધી બરાબર છે પરંતુ સરકારી શાળાનો કોઈ કર્મચારી/અધિકારી ઘણાં વર્ષોથી ખાનગી શાળા માટે તન,મન,ધનથી દોડધામ કરે છે. શાળા પ્રવેશ દરમ્યાન પણ આ શિક્ષણ તજજ્ઞ વારંવાર પોતાની ફરજની શાળાને બદલે ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને આકર્ષવા દોડી જાય છે. આ શિક્ષણ તજજ્ઞે સોનગઢમાં વર્ષોથી સ્થાયી થઈને રાજકીય સંપર્કો મજબૂત કરી આદર્શ નિવાસી શાળાઓ પાછળ પ્રામાણિકતાથી ફરજ ન્યોછાવર કરવાને બદલે એક પછી એક ખાનગી શિક્ષણ સંકુલો ઉભા કરી દીધા છે. એમાં કેટલાક શિક્ષણ સંકુલ સરકારી જમીન ઉપર હોવાની બૂમરાણો ઉભી થતાં ચકચાર મચી છે. જેનો સ્પેશ્યલ અહેવાલ આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણવા પ્રયાસ કરીશું.