અટલ સમાચાર, ગિરીશ જોશી
મહાન વિચારક, ચિંતક અને બુદ્ધિજીવી એવા સંજય જોષી શનિવારે મહેસાણા જિલ્લાના મહેમાન બનશે. વિસનગર ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગોસાના બેસણામાં સંજય જોષી આવવાના હોય તેમની નજીકના લોકોમાં રાજકીય અને સામાજિક વાતાવરણ ગરમાયુ છે.
ભાજપના પૂર્વ મહામંત્રી અને સંઘના વિચારક સંજય જોષી મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગોસાના અવસાને પગલે સામાજિક સંબંધોને લઈ સંજય જોષી શનિવારે સવારે 10 વાગ્યે વિસનગર આવી રહ્યા છે. સંજય જોશીના આગમનને લઇ વિસનગર અને મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ અને હાલના આગેવાનો હરકતમાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સંજય જોશીને દિલથી માનતા ભાજપના આગેવાનો તેમને મળવાનું પણ વિચારી રહ્યા છે.
જાણો કોણ છે સંજય જોષી
સંજય જોષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં છેલ્લા કેટલાય વર્ષોથી સેવા આપી રહ્યા છે. પ્રખર સ્વપ્નદ્રષ્ટા અને બુદ્ધિજીવી હોવાથી સંઘ દ્વારા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી પણ બન્યા હતા. નરેન્દ્ર મોદી અને સંજય જોશીની રાજકીય રીતે કટ્ટર હરીફાઈ તત્કાલીન સમયે બરોબરની જામી હતી. નરેન્દ્ર મોદીને વ્યક્તિગત રીતે સંજય જોષી પોતાનાથી આગળ નીકળી જવાનો ભય સતાવી રહ્યો હતો. એ દરમિયાન કથિત સેક્સ સીડીને પગલે સંજય જોશીની છબી બગાડી રાજકીય દાવપેચ રમાયો હતો. જેના પગલે મહાન વ્યક્તિત્વ અને સચ્ચાઈને માનતા સંજય જોષીની આગેવાની ગુજરાત કે ભારત દેશને મળી શકી નહીં તે એક કમનસીબી માની શકાય.