બોગસ@સીંગવડ: મૃતક અને વિકલાંગના નામે મનરેગામાંથી લૂંટ મચાવી, તલાટી-જીઆરએસ રકમ ભરી છૂટી ગયા
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સીંગવડ તાલુકામાં મનરેગા હેઠળ જો ઉચ્ચ કક્ષાએથી ધોરણસરની તપાસ થાય તો અનેક ગરીબ પરિવારો સાથે વિશ્વાસઘાતનો મહાકાંડ બહાર આવી શકે છે. આવા જ એક પરિવારના સભ્યો સાથે એકવાર નહિ પરંતુ સતત 10 વર્ષ સૌથી મોટી છેતરપિંડી થઈ છે. આ છેતરપિંડી મૃતક અને વિકલાંગના નામે બોગસ રેકર્ડ ઉભું કરી, બોગસ એન્ટ્રી ભરીને મનરેગામાંથી રીતસર લૂંટ કરી હતી. આ પરિવારના સભ્યોને ખબર નહોતી અને સરકારમાંથી લાખોની રકમ પડાવી લીધી હતી. આ કૌભાંડ ઉઘાડું પડતાં તલાટી અને ગ્રામ રોજગાર સેવકે નજીવી રકમ ભરીને બચાવ કરી લીધો અને ટીડીઓ/નિયામકે બચાવી લીધા હતા. બેફામ અને ગરીબોના નામે સરકારમાંથી લૂંટી લેવાનો પુરાવા આધારિત આ સ્પેશ્યલ રીપોર્ટ મંત્રી રાઘવજી પટેલને સમર્પિત.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સીંગવડ ગામે રહેતા એક ગરીબ પરિવારના સભ્યો સાથે ખુદ સીંગવડ તાલુકા પંચાયતના કર્મચારીઓએ/એજન્સીના ઈસમોએ છેતરપિંડી આચરી છે. વર્ષ 2009થી 2020 સુધી એટલે કે, સતત 10 વર્ષથી નરસિંગભાઇ સેલોત નામના વૃધ્ધ પરિવારના સભ્યોના નામે મનરેગા યોજના હેઠળ ખોટી રોજગારી બતાવી ખુદ તંત્રના કરારી માણસોએ સરકારને જ લૂંટી લીધી હતી. આ પરિવારના રમેશભાઈ સેલોત અને તેમના પિતા નરસિંગભાઇ સેલોતે સ્ટેમ્પ પેપર ઉપર એક નહિ પરંતુ દસ દસ અરજીઓ કરી અને છેક મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી. વૃધ્ધ નરસિંગભાઇ, તેમના પુત્ર રમેશભાઈ વિકલાંગ છે અને રમેશભાઇના પત્ની 20 વર્ષથી મરણ પામ્યા છતાં મનરેગામાં 751 દિવસ મજૂરી કરી હોવાનું રેકર્ડ ઉભું કર્યું હતુ. આ બાબતની જાણ થતાં અને વડી કચેરીએથી વારંવાર સુચના આવતાં તપાસ પણ ખુદ ભ્રષ્ટાચારીઓએ કરી અને સામાન્ય રકમ જમા/પરત ભરી હોવાનું બતાવી મામલો ફાઇલે કરી દીધો હતો. વાંચો નીચેના ફકરામાં
સીંગવડ તાલુકાના તત્કાલીન ગ્રામ રોજગાર સેવક શાહ અને તત્કાલીન તલાટીએ ઓક્ટોબર 2021 દરમ્યાન ટીડીઓને પત્ર લખી જણાવ્યું કે, શરતચૂકથી આ પરિવારના સભ્યોના નામે રોજગારી માંગણી થઈ હતી એટલે રૂપિયા 24,462 સરકારમાં ભરી દઈએ છીએ. આ ભ્રષ્ટાચારી કર્મચારીઓએ સીંગવડના મૃતક મહિલા, વિકલાંગ પતિ તેમજ વૃધ્ધ વ્યક્તિના નામે ગેરકાયદેસર રેકર્ડ બનાવી, બેંકમાં ગેરકાયદેસર રીતે રકમ જમા કરાવી, ગેરકાયદેસર રીતે નાણાં ઉપાડી લીધા છતાં શરતચૂક બતાવી ગુનાહિત કાવતરાં માંથી છટકી ગયા છે. આ બાબતે રમેશભાઈ સેલોતની અરજી/ફરિયાદ આધારે રણધીકપુર પોલીસ સ્ટેશને નામ માત્રની તપાસ કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત હોવા છતાં મામલો ફાઇલે કરી દીધો હતો. આ તરફ તત્કાલીન ટીડીઓ અને નિયામક સમગ્ર ભ્રષ્ટાચાર જાણવા છતાં અને સરકારમાંથી ગેરકાયદેસર રીતે લૂંટ કરી હોવાનું જાણવા છતાં મનરેગા એક્ટની જોગવાઈ હેઠળ ફરિયાદ નોંધાવી નહોતી.
આ એક સુનિયોજિત ભ્રષ્ટાચાર અને સરકારને લૂંટી લેવાનું કાવતરું કહી શકાય. સરેરાશ 751 દિવસના મનરેગા રોજગારીના નાણાં પડાવી લીધા છતાં કસૂરવારો બચી ગયા છે. સૌથી મોટો સવાલ થાય કે, તત્કાલીન ગ્રામ રોજગાર સેવક અને તલાટીએ આ રૂપિયા ક્યાંથી ભર્યા?, શું સીંગવડ ગ્રામ પંચાયતમાંથી ભર્યા હતા ? જો પંચાયતમાંથી ભર્યા હતા તો, પંચાયતને પણ લૂંટી? બેંકમાં રોકડા રૂપિયા જમા કરાવનારા ગ્રામ રોજગાર સેવક અને તલાટીએ શું પોતાનાં નાણાં ભર્યા તો શું આ બંને કર્મચારીએ લૂંટ કરી હતી ? આ સમગ્ર મામલે આજની તારીખે પણ રણધીરપુર પોલીસ સ્ટેશને કાયદેસરની ફરિયાદ દાખલ થાય તેવું રેકર્ડ આધારિત સામે આવી છતાં ગુનો દાખલ કેમ થતો નથી? આટલું જ નહિ, તત્કાલીન ટીડીઓ અને નિયામક પણ ભ્રષ્ટાચારી કેમ નહિ, કેમ કે, આ અધિકારીઓ ભ્રષ્ટાચાર જાણી ગયા છતાં કરારી/કાયમી કર્મચારીઓ સામે મનરેગા એક્ટની કલમ હેઠળ ફરિયાદ કેમ દાખલ ના કરાવી? આથી ફરિયાદ દાખલ થાય તે માટે આ રીપોર્ટ મંત્રી રાઘવજી પટેલને સમર્પિત અને હવે પછીના બીજા રીપોર્ટમાં કેન્દ્ર સરકારને ધ્યાને મૂકીશું.