બ્રેકિંગ@અમદાવાદ: ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા, 4 અંડરપાસ બંધ, વિદ્યાર્થી-નોકરિયાતો ફસાયા

 
Amdavad
સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને નોકરીયાતો ફસાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને નોકરી ધંધે જતા લોકો પાણી ભરાવાને લીધે હેરાન થયા છે. સવારે 6થી 8 વાગ્યા સુધીના બે કલાકમાં શહેરમાં સરેરાશ 0.35 ઇંચ વરસાદ નોંધાયો છે. ચાર જેટલા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે.પરિમલ અંડરપાસ, શાહીબાગ અંડરપાસ, અખબારનગર અને મકરબા અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 14 ગેટ ખોલી દેવામાં આવ્યા છે.

આ દરમિયાન ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મેઘરાજાએ ભારે બેટિંગ કરી હતી. જેમાં આ ઝોનમાં સરેરાશ 32.14 mm વરસાદ પડ્યો હતો. વિસ્તારોની વાત કરીએ તો ઓગણજમાં સૌથી વધુ 1.79 ઇંચ અને ગોતામાં 1.65 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ચાંદલોડિયામાં 1.34 ઇંચ, સાયન્સ સિટીમાં 1.28 ઇંચ, બોપલમાં 1.14 ઇંચ અને થલતેજમાં 1.10 ઇંચ વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ ઝોનમાં પણ સરેરાશ 8.71 mm વરસાદ નોંધાયો હતો, જેમાં નવરંગપુરા, રાણિપ અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.હાલમાં બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા, ઘુમા સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેમાં જમાલપુર, કાકરીયા, મેમનગર, આસ્ટોડિયા, પાલડી, આશ્રમરોડ, જોધપુર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. બીજી બાજુ સરખેજ, મકરબા, નારોલ, વટવા જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે.છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં સરેરાશ 22.91 mm વરસાદ નોંધાયો છે, જેમાં પૂર્વ ઝોનના વિરાટનગરમાં સૌથી વધુ 2.44 ઇંચ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનના બાકરોલમાં 2.09 ઇંચ વરસાદ પડ્યો હતો.

આ સાથે જ ચાલુ સાલનો અમદાવાદ શહેરનો સિઝનનો કુલ વરસાદ 32.24 ઇંચ સુધી પહોંચી ગયો છે, જે છેલ્લા 5 વર્ષના સરેરાશ વરસાદના 89.56% જેટલો થાય છે. સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના તમામ દરવાજા હાલ બંધ રાખવામાં આવ્યા છે અને તેની સપાટી 136.25 ફૂટ પર જાળવી રાખવામાં આવી છે.બીજી બાજુ ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાના દૃશ્યો સર્જાયા હતા. અમુક તો કંપનીઓની બસ બગડતાં નોકરિયાતો માટે મુસીબતની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદ વચ્ચે કંપની પહોંચે એ પહેલા જ તેઓ પલળી ગયા હતા.