બ્રેકિંગ@અમદાવાદ: ગેરકાયદેસર પ્રિ-એક્ટિવેટેડ સીમકાર્ડ વેચવાના કૌભાંડનો પર્દાફાશ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાંથી પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયુ છે. કાગડાપીઠ પોલીસે ગેરકાયદે સિમકાર્ડ વેચવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ઉત્તરાખંડનાં 2 શખ્સો અને અમદાવાદના 1 ખરીદદાર સહિત કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 108 પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જુદી-જુદી કંપનીના 108 સિમકાર્ડ, 4 મોબાઈલ અને 5 ફિંગરપ્રિન્ટ મશીન કબજે કરાઈ છે. પોલીસે કુલ રૂ 1.09 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સિમકાર્ડ રિટેલર તરીકે કામ કરતા આરોપીઓ ગ્રાહકોને "પ્રોસેસ ફેલ થઈ છે" તેમ કહી ફરી અંગૂઠો મુકાવતા હતા. એક જ આઈડી પર બાયોમેટ્રિકથી 2થી 3 વધારાના સિમકાર્ડ એક્ટિવેટ કરતા હતા. ગ્રાહકોની જાણ બહાર એક્ટિવેટ કરેલા સિમકાર્ડ ઊંચા ભાવે વેચી મારતા હતા.આરોપીઓની ઓળખ નહુરઅલી સમશાદઅલી રાવત, કાસીફઅલી મુઝ્ફ્ફરઅલી રાવત અને હરપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમાર તરીકે થઈ છે.

