બ્રેકિંગ@દેશ: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું, સરકારે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી

 
ધર્મેન્દ્ર પ્રધાન
કહ્યું, 'હિંસાથી મન દુખી, રાષ્ટ્ર વિરોધી તાકાતો આંદોલનનો ગેરલાભ ના ઉઠાવે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નીટ પેપરલીક મામલે સમગ્ર દેશમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન બાદ આખરે કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. છેલ્લા એક મહિનાથી દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા.પોતાના અધિકૃત પત્રમાં દેશના યુવાનોને સંબોધતા ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય કોઈ તેમની વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી.હું છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી છાત્રો, શિક્ષકો અને શિક્ષણ સુધાર માટે સમર્પિત રહ્યો છું. દેશના યુવાનોની આકાંક્ષાઓ અને ન્યાયી અપેક્ષાઓનું હું ઊંડું સન્માન કરું છું.

તેમણે કહ્યું 3 મે 2026ના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષામાં ગેરરીતિ સામે આવતા જ સરકારે તુરંત તપાસ સીબીઆઈને સોંપી હતી. પરંતુ છેલ્લા 10 દિવસના ઘટનાક્રમથી મારું મન અત્યંત વ્યથિત થયું છે.જંતર-મંતર પર અને દેશમાં જે સ્થિતિ બની છે, તેનો 'રાષ્ટ્ર વિરોધી તાકાતો' લાભ ના ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે, કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ના અટવાય અને આપણા બાળકો અભ્યાસ તથા કરિયર પર ધ્યાન આપી શકે, તે માટે મેં મારું ત્યાગપત્ર વડાપ્રધાનને મોકલી આપ્યું છે.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનું પદ છોડવું એ કોઈ અંગત પ્રતિષ્ઠાનો વિષય નથી. તેમણે કહ્યું કે  પ્રથમ દિવસથી જ મેં આ સમગ્ર મામલે જવાબદારી લીધી હતી અને ક્યારેય આ પરિસ્થિતિથી મોં ફેરવ્યું નથી. મારો એ જ સંકલ્પ હતો કે આપણે પરીક્ષા માફિયાઓને કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડવા દઈશું નહીં.


દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા એક મહિનાથીnઆક્રોશિત વિદ્યાર્થીઓ કેમ્પિંગ કરી રહ્યા હતા. શુક્રવારે સરકારે વિદ્યાર્થીઓની બે માંગણીઓ સ્વીકારી લીધી હતી, પરંતુ રાજીનામા અંગે મૌન સેવ્યું હતું.શિક્ષણ મંત્રીના રાજીનામા સાથે જ વિદ્યાર્થીઓની તમામ ૩ મુખ્ય માંગણીઓ પૂરી થઈ ગઈ છે.શિક્ષણ મંત્રીના રાજીનામાના સમાચાર મળતાં જ જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને સમગ્ર વાતાવરણ 'વિદ્યાર્થી એકતા ઝિંદાબાદ' ના નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. જંતર-મંતરના સ્ટેજ પરથી જાહેરાત કરતાં અભિજીત દીપકે કહ્યું, "લોકો કહેતા હતા કે આ સરકારમાં કોઈ રાજીનામું આપતું નથી. પરંતુ અમે આ કરી બતાવ્યું છે. વિદ્યાર્થી શક્તિનો વિજય થયો છે."