બ્રેકિંગ@દાહોદ: મનરેગાની ફરિયાદ બાદ રજા ઉપર ગયા ડેપ્યુટી ડીડીઓ રાઠવા, ધરપકડ થઈ શકે? સ્પેશ્યલ રિપોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દાહોદ જિલ્લામાં મનરેગાના મહા કૌભાંડ મામલે પોલીસની કડક અને પારદર્શક કાર્યવાહી ચાલુમાં છે ત્યારે સંભવિત અટકાયતો ઉપર ભારે ચકચાર મચી ગઇ છે. મંત્રી પુત્રની અટકાયત બાદ બીજા એક સમાચાર સાથે આવ્યા કે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એટલે હવે વધુ એક સૌથી મોટા સમાચાર આવ્યા કે ધાનપુર તાલુકાના તત્કાલીન ટીડીઓ અને હાલમાં દાહોદ ડેપ્યુટી ડીડીઓ રાઠવા સાહેબની ભૂમિકા તપાસમાં આવી શકે છે. હા, આ એ જ આર.કે રાઠવા બઢતી પહેલાં ધાનપુર ટીડીઓ હતા અને પછી તુરંત દાહોદ જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓ બની ગયા. હવે જ્યારથી મનરેગા મામલે ગુનો દાખલ થયો ત્યારથી ડેપ્યુટી ડીડીઓ રાઠવા રજા ઉપર ઉતરી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જો દેવગઢબારિયાના તત્કાલીન ટીડીઓની અટકાયત થાય તો ધાનપુરના તત્કાલીન ટીડીઓ રાઠવાની પણ અટકાયત થાય તેવી પ્રબળ શક્યતા છે. વાંચો સમગ્ર અહેવાલ.
દાહોદ ડીઆરડીએના ગત નિયામકે મનરેગા યોજનામાં 71 કરોડના કૌભાંડની જે ફરિયાદ નોંધાવી તેમાં આરોપી બે અલગ અલગ વિષયના છે. ફરિયાદમાં લખાવ્યું છે કે, એજન્સીઓ અને કર્મચારીઓ/અધિકારીઓએ ભેગાં મળીને ગેરરીતિ આચરી હતી. આથી પોલીસે સૌપ્રથમ કરારી કર્મચારીઓ અને હવે એજન્સીવાળાની ધરપકડ શરૂ કરી છે. તો સાથે સાથે આજે બીજા એક સમાચાર આવ્યા કે, દેવગઢબારિયાના તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ અટકાયત થઈ છે. આથી ધાનપુર તાલુકાના પણ એક ગામમાં ગેરરીતિ થયાનું ફરિયાદમાં હોવાથી તત્કાલીન ટીડીઓ રચિત રાઠવાની ભૂમિકા વિશે સવાલો ઉભા થયા છે. આ બાબતે પૂછતાં સૂત્રોએ કહ્યું કે, ફરિયાદ દાખલ થઇ ત્યારથી તત્કાલીન ટીડીઓ અને હાલમાં દાહોદ ડેપ્યુટી ડીડીઓ રાઠવા રજા ઉપર ઉતરી ગયા છે. આ એ જ રચિત રાઠવા કે જેઓ અગાઉ ધાનપુર ટીડીઓ હતા અને બઢતી મળી એટલે ધાનપુરથી સીધા દાહોદ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ(મહેકમ) તરીકે ફરજ બજાવે છે. વાંચો નીચેના ફકરામાં શું થઈ શકે?
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદ મુજબ જોઈએ તો ધાનપુર તાલુકાના એક જ ગામમાં ગેરરીતિ થયાનું લખાવ્યું છે. જોકે ધાનપુર તાલુકાના અનેક ગામમાં તત્કાલીન ટીડીઓ રાઠવાના સમયમાં મસમોટા કૌભાંડ થયા છે. આથી હવે સૌથી મોટો સવાલ અને આશંકા છે કે, દેવગઢબારિયાના તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની અટકાયત થાય તો ધાનપુરના તત્કાલીન ટીડીઓ રાઠવાની અટકાયત થશે કે બીજા કોઈ ટીડીઓની? તેના વિશે સૌથી મોટી ચકચાર છે. જો ડેપ્યુટી ડીડીઓ રાઠવાની ભૂમિકા અને અટકાયતની કોઈ સ્થિતિ બનતી નથી તો અચાનક ડેપ્યુટી ડીડીઓ લાંબા સમયની રજા ઉપર કેમ ઉતરી ગયા છે? આ બાબતે દાહોદ ડીડીઓ સ્મિત લોઢાએ જણાવ્યું કે, મેડીકલ રજા ઉપર આગામી 31 તારીખ સુધી મંજૂરી આપી છે. પૂછપરછ થઈ શકે તેમ પૂછતાં જણાવ્યું કે, પોલીસનો વિષય છે પરંતુ ઘણાંની પૂછપરછ થશે. ડેપ્યુડી ડીડીઓ રાઠવા ભલે મેડિકલ રજા ઉપર ગયા હોય પરંતુ મનરેગા કૌભાંડમાં કોઈપણ ચમરબંધીને છોડવાના નથી તેવું દાદાની સરકારનું વલણ હોવાથી કડક કાર્યવાહી થશે.