બ્રેકિંગ@દાંતીવાડા: પોલીસ સ્ટાફે કાર રોકી, મેમો ભરવો પણ પાવતી ના હતી, ચોંકાવનારી ફરિયાદ અરજી થઈ

 
Dantivada
બંને પક્ષે મામલો રસપ્રદ અને ગંભીર સવાલો ઉભા કરતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

દાંતીવાડા તાલુકામાં જિલ્લા પોલીસની કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જરૂરિયાત મુજબ પોલીસ કર્મચારીઓ માર્ગ ઉપર ફરજ બજાવતા હોતા હોય છે. જોકે ગત 30 ઓગસ્ટે દાંતીવાડા તાલુકાના ભાકોદર ગામ નજીક એક કાર પસાર થતાં પોલીસ કર્મચારીઓ અને ખાનગી કપડાંના માણસોએ કાર રોકાવી તપાસ સારૂં જણાવતાં મામલો ચોંકાવનારા વળાંકમાં આવ્યો હતો. કારને કાળા કાચ હોવાનું ગણાવી પોલીસની હાજરીમાં ફરજ પરના ખાનગી કપડામાં ઉપસ્થિત કર્મચારીને કારચાલકે મેમો આપવા જણાવ્યું પરંતુ પાવતી જ ના હતી એટલે મામલો શંકાસ્પદ બનવા તરફ વળાયો હતો. આ દરમ્યાન કારસવારના એક વ્યક્તિએ વિડિયો રેકોર્ડિંગ કરતાં બોલાચાલી દરમ્યાન મેમો બુક કેમ રાખતાં નથી, તમારી મેમો બુક આવે ત્યાં સુધી અમારે હેરાન થવાનું જેવી ચર્ચા થઈ હતી. આ દરમ્યાન રૂપિયા 2000ની કથિત માંગણી થઇ હોવા સહિતના ચોંકાવનારા આક્ષેપો સાથે દાંતીવાડા તાલુકાના ફતેપુરા ગામનાં વિષ્ણુભાઈ ચૌધરી નામના વ્યક્તિએ બનાસકાંઠા એસપીને લેખિતમાં ફરિયાદ અરજી આપી છે. જાણીએ સમગ્ર અહેવાલ.


બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ફતેપુરા ગામના વિષ્ણુભાઈ ગોવિંદભાઈ ચૌધરીએ ગત 2 સપ્ટેમ્બરે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ આપેલી એક ફરિયાદ અરજીમાં ચોંકાવનારો કથિત ઘટનાક્રમ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, વિષ્ણુભાઈ ચૌધરી એક કારમાં પોતાના ભાઇ જગદીશભાઈ ચૌધરી સાથે દાંતીવાડા તાલુકાના ગામે જવા નિકળે છે ત્યારે ભાકોદર ગામ નજીક માર્ગ ઉપર પોલીસના સ્ટાફ સાથે પ્રવિણભાઇ ચૌધરી સહિતના કાર રોકી તપાસ કરે છે. આ દરમ્યાન કાળા કાચ બાબતે કારચાલકને દંડ આપવા મેમોબુક સ્થળ ઉપર ના હોઈ મંગાવવાની વાત આવી હોવાનું અરજીમાં અને વિડિયોમા છે. મેમો બુક ના હોવાથી મામલો કારસવાર બંને ભાઇઓ માટે શંકાસ્પદ સમજી  દંડ ભરપાઇ કર્યા વગર સીધા પોલીસ સ્ટેશને આવવાની તૈયારી બતાવી હતી. જોકે આ દરમ્યાન કાર રોકાવનારનાઓએ રૂપિયા 2000ની કથિત માંગણી કરી હોવાનો સનસનીખેજ આક્ષેપ વિષ્ણુભાઈ ચૌધરીએ પોતાની ફરિયાદ અરજીમાં જણાવતાં હડકંપ મચી ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  આ કથિત ઘટના બાબતે કેટલાક વિડિયો ફુટેજ પણ સામે આવ્યા તેમાં પોલીસ કર્મચારીઓ માર્ગ ઉપર ધોરણસરની ફરજ બજાવે ત્યારે ખાનગી કપડામાં પોતાને પ્રવિણભાઇ ચૌધરી નામ આપતાં કર્મચારી મેમો બુક આવે છે તો તારે રાહ જોવાનો સમય નથી તેમ જણાવે છે. આવી સ્થિતિમાં બંને પક્ષે મામલો રસપ્રદ અને ગંભીર સવાલો ઉભા કરતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર મામલે વિષ્ણુભાઈ ચૌધરીએ એક વિડીયો પણ વાયરલ કરી બનાસકાંઠા જિલ્લા એસપીને રજૂઆત કરી હોઈ ન્યાયની માંગણી કરતાં હોવાનું જણાવતાં હકીકતમાં કેવી ઘટના બની હતી તે સૌથી મોટો સવાલ બન્યો છે.