બ્રેકિંગ@દેશ: અભિનેતા ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે નિધન, સિનેમા જગતમાં શોકની લહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અભિનેતા ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. હાલમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી. ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં થયો હતો. 65 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી સિનેમા જગતમાં અનેક હિટ ફિલ્મો આપી.
તેમણે 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આઈ મિલન કી બેલા, ફૂલ ઔર પથ્થર, આએ દિન બહાર કે જેવી ફિલ્મથી તેમને રાતોરાત લોકચાહના મળી. શોલે અને યમલા પગલા દિવાના તેમની સૌથી પોપ્યુલર ફિલ્મો રહી. આજે પણ લોકો તે ફિલ્મના વખાણ કરે છે. હવે તો જલ્દી જ અગસ્ત્ય નંદાની ફિલ્મ ઈક્કીસમાં જોવા મળશે જે 25 ડિસેમ્બરે રીલીઝ થશે. આ ફિલ્મ હવે તેમની અંતિમ ફિલ્મ બની રહેશે. ફિલ્મનું ટ્રેલર પણ રીલીઝ થઈ ગયું છે.
ધર્મેન્દ્રને 31 ઓક્ટોબર, 2025ના રોજ નિયમિત તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જોકે, 10 નવેમ્બરે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. તેમનો આખો પરિવાર તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યો હતો. હેમા માલિની, સની દેઓલ, એશા દેઓલ, કરણ દેઓલ, રાજવીર દેઓલ અને અભય દેઓલે હોસ્પિટલમાં તેમની સારવારની માહિતી મેળવી હતી. આ સિવાય સલમાન ખાન, શાહરૂખ ખાન અને ગોવિંદા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

