બ્રેકિંગ@દેશ: AAPના નેતાની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી, ત્યારથી જ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો શરૂ થઈ ગઈ હતી. હવે આ અટકળોનો અંત આવ્યો છે. દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. પૂર્વ મુખ્યમંત્રીએ બે દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે, તેઓ મુખ્યમંત્રીનું પદ છોડી દેશે અને કોઈ અન્ય આમ આદમી પાર્ટીના નેતા મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે. તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘હું આગામી બે દિવસમાં રાજીનામું આપી દઈશ. હું તમારી અદાલતમાં આવ્યો છું. હવે તમે જ નિર્ણય કરો કોણ સાચું હતું. મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી નહીં બને.
દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે, પરંતુ અમારી માગ છે કે મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં જ ચૂંટણી કરાવવામાં આવે. ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો કોઈપણ નેતા મુખ્યમંત્રી બની શકે છે. હું અને સિસોદિયા હવે જનતા વચ્ચે જઈશું અને અમે ગુનેગાર કે પ્રામાણિક, એ પ્રજાને નક્કી કરવા દઈશું. હવે દિલ્હીના સીએમની શક્ય એટલી ઝડપથી પસંદગી કરી લો. જ્યાં સુધી લોકો ફેંસલો ના કરે કે, કેજરીવાલ પ્રામાણિક છે કે નહીં, ત્યાં સુધી ખુરશી પર નહીં બેસું. કેજરીવાલ પ્રામાણિક લાગતો હોય તો ‘આપ’ને ભરપૂર વૉટ આપજો.’ અરવિંદ કેજરીવાલે ગત 15 સપ્ટેમ્બરના દિવસે 48 કલાક બાદ મુખ્યમંત્રીની ખુરશી છોડવાની જાહેરાત કરી હતી. ત્યારથી જ દિલ્હીના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી કે, હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે.
ત્યારબાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી આવાસ પર આજે પૉલિટિકલ અફેર્સ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થઈ શકે હતી. બેઠક પહેલાં AAP ના સિનિયર નેતા મનીષ સિસોદિયા અને રાઘવ ચઢ્ઢા અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતાં. કેજરીવાલના આવાસ પર યોજાયેલી PAC ની આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય શર્મા, દુર્ગેશ પાઠક, આતિશી, ગોપાલ રાય, ઈમરાન હુસૈન, રાઘવ ચઢ્ઢા, રાખી બિડલાન, પંકજ ગુપ્તા અને એનડી ગુપ્તા હાજર રહ્યાં હતાં.