બ્રેકિંગ@દેશ: ફેસબુક પરથી PM મોદીની પોસ્ટ દુર કરવાને લઈ Metaએ માફી માંગી, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મેટાએ ફેસબુક પરથી PM મોદીની પોસ્ટ દુર કરવાને લઈ માફી માંગી છે. મેટાએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો ટેકનિકલ ભૂલના કારણે દૂર થયો હતો. ત્યારબાદ તેમણે ભૂલ સુધારી હતી. દૂર કરેલી સામગ્રી પુનઃસ્થાપિત કરવામાં આવી છે.PM મોદીએ 23 જુલાઈના રોજ ફેસબુક પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો મેટાએ દુર કર્યો હતો. ત્યારબાદ અનેક નેતાઓએ આ વિશે વાંધો ઉઠાવ્યો હતો. આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વીડિયોને સેલ્ફી મોડમાં રેકોર્ડ કર્યો હતો. કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે આ વીડિયો દ્વારા વિદ્યાર્થીઓને એક સંદેશ આપ્યો હતો.
ભાજપ નેતા તેજિંદર સિંહ બગ્ગાએ પણ મેટા પર આરોપ લગાવ્યો હતો. તેમણે ટ્વિટ કરી કહ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક વિરુદ્ધ કડક કાર્યવાહી સાથે જોડાયેલી એક પોસ્ટ કરી હતી. જેને મેટાએ ભારતમાં બ્લોક કરી હતી. ફેસબુક પર આ પોસ્ટ જોવા મળતી ન હતી. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે, મેટાએ અંતે કોના કહેવાથી આવું કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓફિશિયલ પેજ પર કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ છે. વડાપ્રધાન મોદીના ફોલોઅર્સની સંખ્યા અંદાજે 10.5 કરોડ પાર છે. તેમના ફેસબુક પર 61 મિલિયન અને વોટ્સએપ ચેનલ પર 15 મિલિયન ફોલોઅર્સ છે.

