બ્રેકિંગ@દેશ: રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી PM આવાસ નજીક ધરણા પર બેઠા, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી સાંસદો પીએમ આવાસ નજીક ધરણા પર બેસી ગયા છે. વિપક્ષી નેતાઓ પેપર લીક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિ શાહ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસ સાંસદોએ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનેથી PM આવાસ તરફ માર્ચ કાઢી હતી.
અગાઉ સંસદ તરફ માર્ચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટિયર ગેસના શેલ છોડ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓની હાલત જાણવા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા હતા. સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે, 'વડાપ્રધાન મોદી આ મામલે ચૂપ કેમ છે? પીએમએ માફી માંગવી જોઈએ અને પદ પરથી રાજીનામું આપવું જોઈએ.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 'છોકરાઓની પીટાઈ માટે ગૃહ મંત્રી અમિત શાહે પણ ત્યાગપત્ર આપવું જોઈએ.'

