બ્રેકિંગ@ગાંધીનગર: ટાઈફોઈડના કેસમાં સતત વધારો, મુખ્ય સચિવને નોટિસ ફટકારવામાં આવી

 
typhoid
ટાઇફોઇડના વધુ 14 નવા કેસ નોંધાયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ વધતા જઈ રહ્યા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે વધતા ટાઇફોઇડના કેસ મામલે હવે રાજ્યના મુખ્ય સચિવને નોટિસ ફટકારી છે અને એક સપ્તાહમાં જવાબ રજુ કરવા જણાવ્યુ છે.ગાંધીનગરમાં ટાઇફોઇડના વધુ 14 નવા કેસ નોંધાયા છે, જ્યારે સારવાર બાદ 18 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શહેરમાં આશરે 80 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા 3110 ક્લોરિન ટેસ્ટમાંથી 2977 નમૂનાઓ પીવા યોગ્ય હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન શહેરની પાણીની પાઈપલાઈનમાં 48 લીકેજ મળી આવ્યા છે, જેને પગલે તાત્કાલિક રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરિન ટેબ્લેટ અને ORSનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેમજ આરોગ્ય સુરક્ષાના પગલાંરૂપે નાસ્તાની લારીઓ પણ બંધ કરાવવામાં આવી છે.આ સમગ્ર મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગએ સુઓમોટો નોંધ લીધી છે.

NHRC દ્વારા રાજ્યના મુખ્ય સચિવને નોટિસ ફટકારી દર્દીઓની હાલની આરોગ્ય સ્થિતિ અંગે વિગતવાર માહિતી માગવામાં આવી છે. સાથે જ રાજ્ય સરકારે અત્યાર સુધી લીધેલા સૂચિત પગલાં અંગે પણ સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. નોટિસમાં નવી નંખાયેલી પાણીની લાઈનમાં અનેક લીકેજ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમજ ગટરનું દૂષિત પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું હોવાનું ગંભીર આરોપ કરવામાં આવ્યો છે. દૂષિત પાણીના કારણે ટાઈફોઈડના કેસમાં વધારો થતો હોવાની નોંધ લેતા NHRCએ સમગ્ર મામલે બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.