બ્રેકિંગ@ગુજરાત: મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપ સાથે અમદાવાદમાં કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

 
રાહુલ ગાંધી

જ્ઞાનેશકુમાર સામે કાર્યવાહીની માગ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં ભાજપના 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાનના જવાબમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા 'સંવિધાન રક્ષા માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું છે. સંવિધાન દિવસ નિમિત્તે યોજાનારી આ માર્ચમાં ચૂંટણી પંચની SIR પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની ભૂમિકાને લઈને વિરોધ નોંધાવવામાં આવશે.કોંગ્રેસનો દાવો છે કે SIR પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં મતદારોનાં નામ મતદાર યાદીમાંથી ખોટી રીતે દૂર કરવામાં આવ્યાં છે. આ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને પદ પરથી હટાવવા અને તેમની ધરપકડ કરવાની માગ સાથે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાશે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદના રાજીવ ગાંધી ભવનથી પાલડી ચાર રસ્તા સુધી સંવિધાન રક્ષા માર્ચ કાઢવામાં આવશે. આ વિરોધ માર્ચમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદીપસિંહ સૂરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે.ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠાવતાં કોંગ્રેસ દ્વારા લોકશાહી સંસ્થાઓની સ્વાયત્તતા અને બંધારણીય અધિકારોના રક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવશે. SIR પ્રક્રિયાને લઈને પક્ષે અગાઉ પણ વિરોધ નોંધાવ્યો છે.

કોંગ્રેસે SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી કરોડો લોકોનાં નામ ખોટી રીતે દૂર કરવામાં આવ્યાં હોવાનો દાવો કર્યો છે. પક્ષના મતે આ પ્રક્રિયાથી સામાન્ય નાગરિકોના મતદાનના અધિકાર પર અસર થઈ શકે છે. આ મુદ્દે કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમને પદ પરથી હટાવવા ઉપરાંત તેમની ધરપકડ કરવાની માગ સાથે આ માર્ચ યોજવામાં આવી રહી છે. કોંગ્રેસ આ વિરોધના માધ્યમથી ચૂંટણી પંચની કામગીરી સામે પોતાનો વિરોધ વધુ મજબૂત રીતે રજૂ કરવા માગે છે.માર્ચના સમાપન બાદ પાલડી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ સામૂહિક રીતે બંધારણની પ્રસ્તાવનાનું પઠન કરશે.અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની સૂચના મુજબ યોજાનારા આ કાર્યક્રમમાં લોકશાહી, સમાનતા, ન્યાય અને બંધારણીય મૂલ્યોના રક્ષણ માટે પ્રતિજ્ઞા લેવામાં આવશે. આમ, સંવિધાન દિવસ નિમિત્તે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા રાજકીય વિરોધની સાથે બંધારણીય મૂલ્યોને કેન્દ્રમાં રાખીને શક્તિપ્રદર્શન કરવામાં આવશે.