બ્રેકિંગ@ગુજરાત: નર્મદા ડેમમાં 24 કલાકમાં 24 સેમીનો વધારો, 50,616 ક્યુસેક પાણીની આવક
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં મેઘરાજાએ મહેર કરતા નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે, જેના પરિણામે ડેમમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો છે.હાલમાં ઉપરવાસમાંથી 50,616 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પાણીની ભારે આવકને કારણે સરદાર સરોવર ડેમની જળસપાટી 126.43 મીટર સુધી પહોંચી ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 24 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે, જે પાણીની આવકની તીવ્રતા દર્શાવે છે.ડેમ હાલમાં તેની કુલ ક્ષમતાના આશરે 65% ભરાયેલો જોવા મળી રહ્યો છે. પાણીની આવકને પહોંચી વળવા અને વીજળી ઉત્પાદન માટે નર્મદાના આરબીપીએચના બે યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે. આ સ્થિતિ ગુજરાત માટે સારા સંકેત આપી રહી છે, કારણ કે પાણીનો પૂરતો જથ્થો રાજ્યની સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતોને સંતોષવામાં મદદરૂપ થશે.

