બ્રેકિંગ@ગુજરાત: બનાસકાંઠાના રાજકીય સમીકરણો બદલાયા! આઝાદી બાદ પ્રથમવાર ભાજપના ફાળે ગઈ આ બેઠક
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 30 વર્ષ બાદ જિલ્લા પંચાયત પર કબ્જો જમાવી ભાજપે રાજકીય સમીકરણોને નવી દિશા આપી છે. આ જીતમાં સૌથી મહત્વપૂર્ણ બાબત વડગામ તાલુકાની છે. જ્યાં કોંગ્રેસનો મજબૂત ગઢ માનાતો વિસ્તાર ભાજપે તોડી નાખ્યો છે.
જલોત્રા બેઠક આઝાદી બાદ પહેલીવાર ભાજપના ખાતામાં ગઈ છે. તે સૌથી મોટી રાજકીય ઘટનાના રૂપમાં સામે આવી છે. વડગામ તાલુકો જિગ્નેશ મેવાણીનો વિસ્તાર ગણાય છે, છતાં ભાજપે અહીં કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. છાપી, વડગામ અને જલોત્રા ત્રણેય બેઠકો ભાજપના ખાતામાં જતા રાજકીય પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જલોત્રા બેઠકની જીત પાછળનું સૌથી મોટું કારણ પાણીનો મુદ્દો રહ્યો છે. વર્ષોથી પાણીની તંગી સહન કરતો વડગામ તાલુકો, નર્મદા પાઇપલાઇન દ્વારા મુક્તેશ્વર ડેમ, કરમાવત તળાવ અને અન્ય તળાવો ભરાતા રાહત અનુભવી રહ્યો છે. પાણી અને સિંચાઈની સુવિધા મળતા લોકોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ વધ્યો અને તેનો સીધો ફાયદો ભાજપને ચૂંટણીમાં મળ્યો.
સ્થાનિક સ્તરે કાર્યકરોની મહેનત સાથે વિકાસના મુદ્દાઓએ મતદારોને પ્રભાવિત કર્યા. પૂર્વ ધારાસભ્ય વસંત પટેલને સોંપાયેલી જવાબદારી પણ અહીં મહત્વપૂર્ણ રહી, જેમણે વિકાસ અને પાણીના મુદ્દાને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડ્યો. વડગામ જેવા કોંગ્રેસના ગઢમાં ભાજપની આ જીત માત્ર સ્થાનિક રાજકારણ નહીં પરંતુ આવનારી વિધાનસભા ચૂંટણી માટે પણ સંકેત માનવામાં આવી રહી છે.

