બ્રેકિંગ@ગુજરાત: અવનીના બાજરી444++ બિયારણનું વેચાણ બંધ, નિયામક કચેરીએ કર્યો હુકમ

 
Avani seeds matter
પરંતુ અત્યાર સુધી બેફામ વેચાણ થઈ ગયું એનું શું? ખેડૂતોના ઘર સુધી પહોંચી ગયું હોય તો એ બાબતે શું?
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 
બિયારણની બજારમાં વેચાણની બાબતે ઘણા સમયથી ચાલતો સવાલ આખરે વચગાળાના નિર્ણય ઉપર પહોંચ્યો છે. અટલ સમાચાર ડોટ કોમના અહેવાલને પગલે પ્રાથમિક તપાસ કરી ખેતી નિયામક કચેરીના અધિકારીએ બાજરી444++ બિયારણના વેચાણ ઉપર બ્રેક લગાવી છે. આથી કંપનીએ પણ તેના ડિસ્ટ્રીબ્યુટર સહિતના વેચાણકર્તા વેપારીઓને હાલ પૂરતું વેચાણ અટકાવી દેવા સુચના આપી છે. જોકે આટલા વર્ષો સુધી વેચાણ થયાનું અને હકીકતમાં અગાઉ આ બિયારણની જાત રજીસ્ટર હતી કે કેમ તે ગંભીર સવાલ ઊભો જ છે. આ બાબતે પૂછતાં નિયામક સોલંકીએ કહ્યું કે, સિડ્સ એક્ટ જોગવાઈમાં કાર્યવાહી નથી. તો અહીં સવાલ થાય કે, ખેતી નિયામક કચેરીને નહિ નોંધાયેલ બિયારણોના બેફામ વેચાણમાં કોઈ પાવર નથી? વાંચો સમગ્ર અહેવાલ.
મહાકાય કંપની એવી અવની સિડ્સના બાજરી444++ બિયારણની નોંધણી નહિ હોવા છતાં ધમધોકાર ચાલતો વેચાણ સૌથી મોટો સવાલ કરતો હતો. અટલ સમાચાર ડોટ કોમના અહેવાલો અને સવાલોને પગલે ગુજરાત રાજ્ય ખેતી નિયામકની કચેરી દ્વારા આ બિયારણના જાહેરમાં વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બાબતે ખેતી નિયામક સોલંકીએ જણાવ્યું કે, દરેક જિલ્લામાં અને કંપનીને પણ વેચાણ નહિ થવા બાબતે સુચના આપેલી છે અને કાર્યવાહી બાબતે કંઈ કરીએ તો કોર્ટમાં હારી જવાય તેવું કામ ના થાય. હવે અહીં સવાલ થાય કે, ખેતી નિયામક શું માત્ર વેચાણ બંધ કરાવી શકે? રજીસ્ટ્રેશન વિના બેફામ વેચાણ કરી દીધું તે બાબતે કેમ કોઈ કાર્યવાહી ના થાય ? આ બાબતે ખેતી નિયામક સોલંકીએ કહ્યું કે, તમે સિડ્સ એક્ટ જોઈ લો. આથી અરજદાર વિષ્ણુભાઈ પટેલની આર એન્ડ ડી સર્ટીફીકેટનો મામલો રજૂ કરતાં તપાસ કરાવ્યા વિના નિયામક સોલંકીએ જણાવ્યું કે, સર્ટીફીકેટ તો હોય જ. વાંચો નીચેના ફકરામાં
સૂત્રોએ જણાવ્યું હતું, અવનીનું બાજરી444++ હવે વેચાણ થતું અટક્યું પરંતુ શું આ બિયારણ આસપાસના રાજ્યોમાં વેચાણ માટે નહિ ગયું હોય ? રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં વેચાણ માટે બાજરી444++ ગયું હતું કે ગયું હશે તેની તપાસ થશે? અરજદાર વિષ્ણુભાઈ પટેલે આક્ષેપ કરતાં જણાવ્યું કે, કંપનીના અનેક બિયારણના રજીસ્ટ્રેશન દરમ્યાન કંપની પાસે આર એન્ડ ડી સર્ટીફીકેટ ના હતું તો કેવીરીતે અસંખ્ય જાતોની નોંધણી થઈ? ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બિયારણ બાબતે મોટા ગજાની ગણાતી અવની સિડ્સ કંપનીના સરેરાશ 50થી પણ વધારે બિયારણો વેચાણ કરે છે ત્યારે બાજરી444++ નું ખેતી નિયામક કચેરીમાં હકીકતમાં રજીસ્ટ્રેશન થયું હતું કે માત્ર રદ્દ કર્યાનુ ઉભું કરવા લેટરમાં લખવામાં આવ્યું હતું? આ સવાલ સૌથી મોટો છે.