ખળભળાટ@ગુજરાત: સાવલી તાલુકામાં બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ પકડાયું, 16 ભેજાબાજો સામે પોલીસ ફરિયાદ

 
બોગસ

બોગસ નામો વારસાઇ હક્કમાં દાખલ કરાયા હતાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાવલી તાલુકાના સામંતપુરા અને મુવાલ ગામની ખેતીની જમીનમાં મૂળ માલિકોના બોગસ મરણ દાખલાના આધારે બોગસ પેઢીનામાં તૈયાર કરી ખેતીની જમીનમાં નામો દાખલ કરી ખેડૂત બનાવવાનું ચકચારભર્યું કૌભાંડ બહાર આવતાં સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે એક નાયબ મામલતદાર, એક મહિલા તલાટી સહિત કુલ 16 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે.

સામંતપુરા ગામમાં રહેતા રંજનબેન વિઠ્ઠલભાઇ સોલંકીએ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે અગાઉ મારા સસરા તેમજ પતિ સહિત અન્ય લોકો મૃત્યુ પામ્યા ત્યારે વારસાઇ કરાવી ન હતી પરંતુ થોડા સમય પહેલાં વારસાઇની કાર્યવાહી કરવા નકલો મેળવતાં તા.9 મે 2019ની નોંધથી વારસાઇ થયેલી હોવાનું જણાયું હતું. મારા પતિ મે-૨૦૦૩માં મૃત્યુ પામ્યા હોવા છતાં વારસાઇમાં જૂન-2008માં મૃત્યુ પામ્યા હોવાનો બોગસ મરણ દાખલો રજૂ કરી તેમાં વારસદાર તરીકે મંજુલાબેન વિઠ્ઠલબાઇ સોલંકી, મુસ્કાન વિઠ્ઠલભાઇની પુત્રી તે અશોક દોહલાનીની પત્ની તેમજ રેખા વિઠ્ઠલભાઇના નામો દાખલ થયેલા હતાં. ખરેખર મારા પતિને સંતાનમાં માત્ર એક પુત્ર જ છે.

સામંતપુરા ગામમાં જ રહેતા અન્ય ખાતેદાર રમેશભાઇ ચતુરભાઇ પરમારની વડીલોપાર્જિત જમીનમાં પણ બોગસ મરણ દાખલો રજૂ કરી ખેડૂત બનવા માટે મેલાભાઇ ચતુરભાઇ પરમાર, મમતાબેન ચતુરભાઇની પુત્રી તે અનિલકુમાર તુલસીયાનીની પત્ની અને મંજુલાબેન ચતુરભાઇના બોગસ નામો વારસાઇ હક્કમાં દાખલ કરાયા હતાં. ગામની સીમમાં શારદાબેન પ્રભાતભાઇ સોલંકીની વડીલોપાર્જિત જમીનની પણ બોગસ વારસાઇ બનાવી તેમાં બીના પ્રભાતભાઇ સોલંકીની પુત્રી તે જીતેન્દ્રસિંહ રાણાની પત્નીનું નામ ઉમેર્યું હતું. જ્યારે અમારા ગામના સોમાભાઇ રયજીભાઇ પરમારની વડીલોપાર્જિત જમીનમાં પણ બોગસ મરણ દાખલાના આધારે વારસાઇની એન્ટ્રી કરી તેમાં ખેડૂત તરીકે વિદ્યાબેન રયજીભાઇની પુત્રી તે ખેમચંદની પત્નીનું નામ રેવન્યૂ રેકર્ડમાં ચડાવી દેવાયું હતું

આ ઉપરાંત ચારણપુરા ગામના અરવિંદ મણીભાઇ સોલંકીની મુવાલ ગામની વડીલોપાર્જિત જમીનમાં રેવન્યૂ તલાટી હિરલ ભેમજી ચૌધરીએ બકુલાબેન પુજાભાઇ સોલંકીનું નામ બોગસ મરણદાખલાના આધારે દાખલ કરાવ્યું હતું અને આ નોંધને નાયબ મામલતદાર રાજેન્દ્રસિંહ ઉમંગસિંહ વાસંદિયાએ પ્રમાણિત કરી હતી.