બ્રેકિંગ@પાલનપુર: આરોપી પાસેથી 30 હજારની લાંચમાં પોલીસકર્મી ઝબ્બે

અટલ સમાચાર,પાલનપુર
પાલનપુર પુર્વ પોલીસ મથકના મદદનીશ ઇન્સ્પેક્ટર 30 હજારની લાંચમાં ઝડપાઇ જતાં ખળભળાટ મચી ગયો છે. આરોપીઓને ગુનાના કામે એરેસ્ટ કરી કાર્યવાહી દરમ્યાન મોટી બજાર પોલીસ ચોકી પાસે જ લાંચની રકમ સ્વિકારતા ઝડપાઇ ગયા છે. મહેસાણા એસીબીએ પોલીસ સ્ટેશનના ASI રાજુ ચાવલાને ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વિકારતા રંગેહાથે ઝડપી લીધા છે. ઘટનાને પગલે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાત પોલીસ આલમમાં ચકચાર મચી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર પુર્વ પોલીસ સ્ટેશનના મદદનીશ ઇન્સ્પેક્ટર રાજુ ચાવલા વિરૂધ્ધ એસીબીએ સફળ ટ્રેપ કરી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના સંદર્ભે આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહીમાં એએસઆઇએ લાંચની ઇચ્છાશક્તિ બતાવી હતી. ભારે રકઝકના અંતે 30 હજાર લેવાનું નક્કી કર્યુ હતુ. જેમાં ફરીયાદી એવા આરોપીઓ લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી મહેસાણા એસીબીને રજૂઆત કરી હતી. જેના ભાગરૂપે સફળ ટ્રેપ થતાં પોલીસ કર્મચારી ઝડપાઇ ગયા છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગુનાના કામે અટક કરી કોર્ટમાં હાજર કરવા સહિતની કાર્યવાહીમાં એએસઆઇ રાજુ ચાવલાએ લાંચ માંગી હતી. જેમાં આરોપીઓએ એસીબીને જાણ કરી ટ્રેપ કરાવતાં સમગ્ર પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે. ઝડપાયેલ પોલીસ કર્મચારી રાજુ ચાવલાના સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા ફોટોને પગલે ચોંકાવનારી બાબત સામે આવી છે. લખાણ સાથેના ફોટોમાં રાજુ ચાવલા પોતાની પોલીસની ફરજને ખુબ જ વખાણી રહ્યા છે. જોકે આજની ટ્રેપથી છબી ઉઘાડી પડી કે છબીમાં દાગ પડ્યો હોવાનું મનાય છે.