બ્રેકિંગ@પાટણ: જિલ્લા પંચાયતના ટેન્ડરમાં કૌભાંડની બદબૂ, ટેન્ડરમાં સ્પર્ધા છતાં 5 લાખની સ્પોર્ટ્સ કીટ 4.97માં ખરીદી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પાટણ જિલ્લા આયોજન મંડળે ગત વર્ષે વિકાસશીલ તાલુકા હેઠળની 60 લાખની ગ્રાન્ટ પાટણ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાને આપી હતી. જેમાં 3 તાલુકાની 12 પ્રાથમિક શાળાઓમાં રમતગમતના સાધનો માટે આપેલ ગ્રાન્ટ હેઠળ અમલીકરણ એવા તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ટેન્ડર કર્યું હતુ. એક શાળાને એક કીટ 5 લાખની મર્યાદામાં આપવા થયેલ ખરીદ પ્રક્રિયામાં ટેન્ડર કામગીરીને અંતે જે રકમનો વર્ક ઓર્ડર આપ્યો તે ચોંકાવનારો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ એક કીટની કિંમત 5 લાખની રાખી તો ટેન્ડરમાં હરિફાઈને અંતે એક કીટના ભાવ માત્ર 3હજાર ડાઉન થયા. સ્થાનિક એજન્સીને 4.97 લાખની ખરીદનો વર્ક ઓર્ડર આપ્યો હતો. હવે અહીં સવાલ થાય છે કે, શું ટેન્ડરમાં હરિફાઈ છતાં 3 હજાર જ ભાવ ઓછાં થઈ શકે ? આટલું જ નહિ ભ્રષ્ટાચારની ભયંકર દુર્ગંધ પાછળ અનેક ગંભીર સવાલો વાંચો આ સ્પેશ્યલ રીપોર્ટમાં.
પાટણ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાને ગત નાણાંકીય વર્ષ 2023-24 દરમ્યાન અનેક વહીવટી મંજૂરીઓ જિલ્લા આયોજને આપી હતી. જેમાં ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં રમતગમતના સાધનો, ડીજીટલ લાઈબ્રેરી અને સોલાર કુલર સહિતનો સમાવેશ હતો. આ પૈકી સમી તાલુકાની 5, શંખેશ્વર તાલુકાની 2 અને સાંતલપુર તાલુકાની 5 સહિત કુલ 12 પ્રાથમિક શાળાઓમાં રમતગમતના સાધનો ખરીદવા ડીપીઈઓ કચેરીએથી ટેન્ડર થયું હતુ. ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર થયેલ ટેન્ડરમાં એક શાળાને એક રમતગમતના સાધનો 5 લાખની મર્યાદામાં આપવા બીડ થઈ હતી. આ ટેન્ડરમાં અનેક એજન્સીઓ એટલે કે વેપારી પેઢીઓએ આવેદન કરી ટેન્ડર મેળવવા પ્રયાસ કર્યો હતો. હવે જો, રમતગમતના જે સાધનો ડીપીઈઓ કચેરીએ ખરીદ્યા અને આજે તમે તે શાળાઓમાં જુઓ તો સરેરાશ 3 લાખથી પણ ઓછી રકમમાં મળી શકે. તો આ સ્પર્ધાત્મક ટેન્ડરમાં જો રિવર્સ ઓક્શન થયું હોય તો ભાવ ડાઉન કેમ ના થયા? નીચેના ફકરામાં વાંચો અસલી સ્થિતિ.
સૂત્રોના જણાવ્યા મુજબ, પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ 10 નવેમ્બર 2023 ના રોજ જા.નં.જિ.પ./શિક્ષણ/GEM/વર્ક ઓર્ડર/અ-૮/વશી/૫૩૭૪/૨૦૨૩ પત્ર ક્રમાંક હેઠળ કુલ ૭ સંદર્ભ આધારે વર્ક ઓર્ડર આપ્યો હતો. જેમાં લખ્યું છે કે, બીડમાં 4 એજન્સીઓ આવી હતી અને ખરીદ સમિતિ સમક્ષ ભાવો ખોલતાં એલ વન તરીકે સિદ્ધપુરની એજન્સી ફાઇનલ થઇ હતી. તો અહિં સવાલ થાય છે કે, એલ વન રિવર્સ ઓક્શન બાદ કર્યું કે સીધા ભાવો ઓપન કરીને નીચા ભાવવાળી એજન્સીને વર્ક ઓર્ડર આપ્યો? જો રિવર્સ ઓક્શન નથી કર્યું તો કેમ ના કર્યું? જો રિવર્સ ઓક્શન કર્યું હતુ તો શું ચારેય એજન્સીઓ વચ્ચે ભાવોની સ્પર્ધા ના થાય ? ભાવોની સ્પર્ધામાં માત્ર 3 હજાર ડાઉન થયા હતા કે પછી રિવર્સ ઓક્શનમાં ઈરાદાપૂર્વક કોઈએ ભાગ નહોતો લીધો ? સૌથી મોટો સવાલ એ પણ છે કે, જે પાર્ટી પાસેથી ખરીદી કરી તેની ડીપોઝીટ પણ લેવાઇ હતી કે કેમ તે શંકાસ્પદ છે.
આ શાળાઓમાં આપેલ રમતગમતના સાધનો જોવા જઈ શકો
સમી તાલુકો:
ગુજરવાડા, ભદ્રાડા,
મોટા જોરાવરપુરા, મનવરપુરા, દાઉદપુરા પ્રાથમિક શાળા
શંખેશ્વર તાલુકો:
પીરોજપુરા, કુંવારદ કન્યા શાળા
સાંતલપુર તાલુકો
લોદરા, ધોકાવાડા, ગોખાંતર, બકુત્રા, ડાભી ઉનરોટ પ્રાથમિક શાળા
કેવી રીતે અને કોને આમાં ભ્રષ્ટાચારી ભૂમિકા ભજવી તેનો ઘટસ્ફોટ
પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએથી માત્ર રમતગમતના સાધનો જ નહિ પરંતુ ડીજીટલ લાઈબ્રેરીનુ પણ સરેરાશ 25 લાખનું ટેન્ડર થયું હતુ. આ ટેન્ડર પણ રમતગમતના સાધનો વાળી એજન્સીને મળ્યું હતું. આ એજન્સી પાછળ શું કોઈ મોટા માથા હતા કે કેમ અને કોને આમાં કેવી ભૂમિકા ભજવી તેનો ઘટસ્ફોટ પણ ટૂંક સમયમાં.