બ્રેકિંગ@રાધનપુર: ગટરમાં પ્રોજેક્ટ ઉપર પ્રોજેક્ટ, આ સમાચાર વાંચી ચોંકાવનારી ખુશી મળશે
![રાધનપુર](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/3632dfaa2617edd557d15c18b6815762.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
રાધનપુર શહેરમાં જેવી રીતે રાજકીય સત્તા બદલાય તેવી રીતે કરોડોના પ્રોજેક્ટ પણ ઝપટમાં આવી જાય છે. ચારેક વર્ષ અગાઉ રાધનપુર શહેરમાં સરેરાશ 42 કરોડથી વધુના ખર્ચે ગટર પ્રોજેક્ટ આવ્યો હતો પરંતુ આજસુધી આ ગટરનો લાભ શહેરીજનોને સંપૂર્ણ રીતે મળ્યો નથી. હવે આ પ્રોજેક્ટ હેઠળ નંખાયેલી ગટર વ્યવસ્થાનું ભવિષ્ય અંધારામાં આવી ગયું છે. આ સમાચાર વાંચી તમે કલ્પના બહાર ચોંકી જશો એટલા માટે કહ્યું કે, ગટરના પ્રોજેક્ટ ઉપર બીજો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો છે. અગાઉની ગટર લાઇન ક્યાંથી પસાર થઈ અને કેટલી પૂર્ણ થઈ તે સવાલો વચ્ચે નવો પ્રોજેક્ટ સરેરાશ 60 કરોડના ખર્ચે મંજૂર થયો છે. હવે અગાઉના પ્રોજેક્ટનું શું તેનો સત્તાવાર જવાબ જાણવા પ્રયત્ન કર્યો તો જે સામે આવ્યું તે વાંચીને તમે ચોંકી જશો. વાંચો નીચેના ફકરામાં.
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં વિકાસકાર્યોની દોડધામમાં અગાઉ ક્યારેક ના થયું તેવું થવા જઈ રહ્યું છે. ગુજરાત ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ચારેક વર્ષ અગાઉ સરેરાશ 42 કરોડથી વધુના ખર્ચે ગટરલાઇનનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. આ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવી દેવામાં આવ્યા અને પાછળથી પ્રોજેક્ટની રકમ પણ વધારવામાં આવી હતી. હવે આજસુધી આ પ્રોજેક્ટનો લાભ સમાવિષ્ઠ શહેરીજનોને મળ્યો નહિ અને આટલા વર્ષોથી શહેરીજનો પરેશાન થયા છે. ત્યારે તમે હવે વિકાસનુ નવું કામ જાણીને આનંદ થશે પરંતુ ગંભીર સવાલોનો કોઈ જવાબ નહી શોધી શકો. 42 કરોડથી વધુની ગટરલાઇન ઉપયોગમાં આવે તે પહેલાં અંધારામાં ધકેલી દઈ નવો પ્રોજેક્ટ મંજૂર કરી દીધો છે. એટલે હવે વધુ 60 કરોડના ખર્ચે નવીન ગટર પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર પાસ થયો છે. વાંચો નીચે ગંભીર સવાલો વિશે કોણે શું કહ્યું
રાધનપુર શહેરમાં અગાઉ ગટર પ્રોજેક્ટનુ કામ થયું હતું તો આ દુબાર કામગીરી અને ખર્ચ ના કહેવાય? આ સવાલ સામે ગુજરાત શહેરી વિકાસ કોર્પોરેશનના ઇજનેર ધ્રુવ પટેલે જણાવ્યું કે, એનો સર્વે કરીને આગળ નક્કી થશે અને દુબાર બાબતે સરકારે મંજૂરી આપી હોવાનું કહ્યું જ્યારે પ્રોજેક્ટ મેનેજર રોહીત પટેલે જણાવ્યું કે, સરકારે જનતાના હિતમાં જ નિર્ણય લીધો હોય અને દુબાર વિશે મને ખ્યાલ નથી. ડબલ ખર્ચ કેમ ના કહેવાય તેમ પૂછતાં કહ્યું કે, તૂટે અને નવીન બને તે રૂટિન છે પરંતુ અહીં રોહીત પટેલ ભૂલી ગયા કે, રાધનપુરનો જૂનો ગટર પ્રોજેક્ટ ઉપયોગમાં જ આવ્યો નથી. અહીં ગંભીર સવાલ એ ઉભો થાય છે કે, જૂની ગટર લાઇનનુ શું થશે ? એના કરોડો રૂપિયા જનતાના ટેક્ષના છે તો એ પ્રોજેક્ટની નિષ્ફળતાના કસૂરવારો કોણ અને તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરી ? જો તદ્દન નવી લાઇન નાંખવાની થાય તો જૂની લાઇન ભૂગર્ભમાં પડી રહેશે? જો જૂની લાઇન ઉપયોગમાં આવશે તો વર્ક ઓર્ડર પછી કેવી રીતે સર્વે યોગ્ય ગણાય ? આ તમામ સવાલો જનતાનાં હિતમાં હોઈ આગામી ન્યૂઝ રીપોર્ટમાં વધુ જાણીએ.