બ્રેકિંગ@સીંગવડ: મનરેગામાં સરકારના નાણાં લૂંટી કરોડોના આસામી બન્યા ભ્રષ્ટો, બંગલા સેન્ટ્રલ એસીના
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સીંગવડ તાલુકામાં મનરેગા હેઠળ ભ્રષ્ટાચાર ના થયો હોય અથવા ના મળતો હોય તો તાલુકા પંચાયતને અઢળક પુરાવા મળી શકે છે. જોકે તાલુકા પંચાયત ઈરાદાપૂર્વક ભ્રષ્ટાચાર શોધવા ઈચ્છુક નથી ત્યારે ભ્રષ્ટાચારીઓ ખૂબ ટૂંકા ગાળામાં કરોડોની આસામી બન્યા તેનો ઘટસ્ફોટ આજે કરીએ. એજન્સીઓને બોગસ બીલો મૂકાવી અનેક કરારી કર્મચારીઓ કરોડોમાં આળોટતાં થઈ ગયા છે જ્યારે એજન્સીવાળા પણ બોગસ ખરીદ વેચાણ બતાવી સરકારના કરોડો લૂંટી લક્ઝુરીયસ જીંદગી જીવી રહ્યા છે. કોણ છે સૌથી મોટો ભ્રષ્ટાચારી અને કોણ છે બધાનો આકા તેનો આ સ્પેશ્યલ રીપોર્ટ.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકા પંચાયતમાં બેફામપણે, ધોળેદહાડે, દાદાગીરી સાથે, જાણીજોઈને, ઈરાદાપૂર્વક ભ્રષ્ટાચાર થયો છે. છેલ્લા ચારથી પાંચ વર્ષમાં આવી રીતે જ ભ્રષ્ટાચાર આચર્યો હોઈ તમે સમજી શકો છો કે, આ ભ્રષ્ટોને મનરેગા કાયદાનો અથવા વિજીલન્સનો પણ ડર નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં જે પ્રમાણે અહીં ભ્રષ્ટાચાર આચર્યો તેનાથી બાઇક લાવવાની ત્રેવડ નહોતી તેવા આજે કરોડોના આસામી બની ગયા છે. ખૂબ જ સામાન્ય પગારમાં કેટલાક ભ્રષ્ટો દાહોદ અને પંચમહાલ જિલ્લામાં સેન્ટ્રલ એસીના બંગલા બાંધી બેઠા છે. તાલુકા પંચાયતના એક સભ્યએ જણાવ્યું કે, મનરેગા શાખા, એજન્સી અને એજન્સીઓના આકા સહિત જિલ્લા સુધીના આ મહા ભ્રષ્ટાચારના ભાગીદાર છે. એટલા સુધી કે, જીએસટી નંબરવાળી એજન્સીના બોગસ બીલો મૂકી રીતસર મનરેગા ગ્રાન્ટની લૂંટ મચાવી છે. વાંચો નીચેના ફકરામાં.
સીંગવડ તાલુકા પંચાયતમાં કોઈ પ્રજાપતિ કર્મચારી હતો તેણે પોતાની એજન્સી બનાવી કરોડોના બોગસ બીલો મૂકી રોકડી કરી લીધી. શૈલેન્દ્ર નામનો કોઈ વ્યક્તિ પોતાના પરિવારની બબ્બે એજન્સીના બોગસ ખરીદ વેચાણના બીલો મૂકી કરોડોની ગ્રાન્ટ ખેંચી ગયો, સોની પરિવારના પણ વ્યક્તિએ 2 એજન્સી ખોલી ઢગલાબંધ બીલો મૂક્યા કે જેમાં સ્થળ ઉપર માલસામાનની તટસ્થ તપાસ જરૂરી છે. આ સિવાય કોઈ રાગી અને કુંજીની વેપારી જોડીએ અનેક બીલો મૂકી વહેતી ગંગામાં ભ્રષ્ટાચાર મારફતે સંપત્તિ એકઠી કરી છે. આથી આગામી શુક્રવારે કયા નાણાંકીય વર્ષમાં કઈ એજન્સીએ કેટલી રકમના બોગસ બીલો મૂક્યા, કોણે મૂકાવડાવ્યા, કોણે ભાગીદારી કરી કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો તે તમામનો કાળો ચિઠ્ઠો રજૂ કરીશું. અટલ સમાચાર ડોટ કોમ ભ્રષ્ટો વિરુદ્ધ લડત આપી ગેરકાયદેસર રીતે મેળવેલી ગ્રાન્ટની રિકવરી કરાવવા પ્રયાસ કરશે.
2 વર્ષ પહેલાં સભ્યોએ ઉઠાવ્યો હતો અવાજ
સીંગવડ તાલુકામાં મનરેગાનો હદ વગરનો ભ્રષ્ટાચાર હોવાના અહેવાલ બહાર આવતાં કેટલાક સભ્યો પણ સફાળા જાગી ગયા છે. કેટલાક સભ્યોએ જણાવ્યું કે, વર્ષ 2022 દરમ્યાન સભ્યોને ખબર પડી મનરેગા સ્ટાફ મનફાવે તેવા કામો લઇ ગ્રાન્ટ ખર્ચે છે. આથી તે સમયે અનેક સભ્યોએ ટીડીઓ, ડીડીઓને રજૂઆત, ફરિયાદ કરી હતી. આ બાબતે એક સભ્યએ આજે જણાવ્યું કે, કોઈ ગામ નથી જ્યાં બોગસ કામો નથી. સાચા કામો થયા હોય તો ગ્રાન્ટ આવે ત્યારે ચૂકવણું કરતા નથી અને બોગસ કામોને ગ્રાન્ટ આવેને તુરંત ચૂકવણું થાય છે.