બ્રેકિંગ@સીંગવડ: જનરલ બોર્ડમાં ઉઠી મનરેગાની ફરિયાદ, સાંસદે લીધી નોંધ, અટલ ઈમ્પેક્ટ સ્પેશ્યલ
Updated: Oct 19, 2024, 21:22 IST
સભ્યોની રજૂઆત સાંભળી ખુદ સાંસદ ચોંકી ગયા અને હવે ગામો વચ્ચે ભેદભાવ નહિ ચાલે કહ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સીંગવડ તાલુકામાં મનરેગાના મહાભયંકર અને નિયમો નેવે મૂકી થયેલ ભ્રષ્ટાચાર મામલે હવે લોકજુવાળ ઊભો થયો છે. અટલ સમાચાર ડોટ કોમના અહેવાલને પગલે સભ્યોમાં પણ આ મુદ્દે મનોમંથન થયું અને આખરે સામાન્ય સભામાં મામલો પહોંચ્યો હતો. શુક્રવારે મળેલી સામાન્ય સભામાં સાંસદ ભાભોરની હાજરીમાં મનરેગાની વિવિધ ફરિયાદ ઉઠી ત્યારે ચોંકી ગયેલા સાંસદે બરોબરનો ઉધડો લીધો હતો. ગ્રામ પંચાયતો વચ્ચે કામોમાં ભેદભાવ નહિ કરવો અને કર્મચારીઓને ભ્રષ્ટાચાર નહિ થવા દેવાની ટકોર કરી હતી. અટલ સમાચારના અહેવાલની અસર ઉપરનો આ સ્પેશ્યલ રિપોર્ટ વાંચો.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકા પંચાયતની મનરેગા શાખાએ પાછલાં 4 વર્ષમાં બેફામ ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદ કેન્દ્ર સરકારમાં પહોંચી છે. જોકે મોડે મોડે સીંગવડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પણ ફરિયાદ ઉઠી હોવાનું સામે આવ્યું છે. ગત શુક્રવારે સીંગવડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા ત્યારે વિકાસના વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. જોકે સભ્યોમાંથી બૂમરાણ ઉઠી કે, કામોમાં મનમાની થાય છે અને ભેદભાવ થાય છે ત્યારે સાંસદ ભાભોરે હવે ખોટું ચલાવી નહિ લેવાની તૈયારી બતાવી હતી. સાંસદે દરેક ગામોને મનરેગા હેઠળ ન્યાય મળે તેની સુચના આપી એ દરમ્યાન કર્મચારીઓને પણ કોઈપણ સંજોગોમાં ખોટું કરવું નહિ તેવી કડક સુચના આપી હતી. સાંસદે મનરેગા ઉપર વિસ્તૃત ચર્ચા કરી ત્યારે ટીડીઓથી માંડી કરારી કર્મચારીઓ પણ એકીટસે સાંભળી રહ્યા હતા. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાંસદ જશવંતસિંહ ભાભોરે મનરેગા બાબતે હવે ભૂતકાળ જેવું ચલાવી લેવાની સ્પષ્ટ મનાઇ કરી હતી અને દિવાળી પછી બધું સમુંસૂતરું કરવાની તૈયારી બતાવી હતી. સાંસદે મનરેગા ઉપર સરકારના હિતમાં કડક વલણ લેતાં સભ્યો પણ ખુશ થયા હતા પરંતુ સાંસદના વલણથી ભ્રષ્ટાચારી માનસિકતા લાચારીમાં મૂકાઇ હતી. સભ્યોની રજૂઆત જોતાં ભૂતકાળમાં મનરેગા ઉપર જનપ્રતિનિધિઓના સુચનો કરારીઓ અવગણતા હતા ત્યારે હવે સાંસદે પણ સાથ સહકાર આપતા સીંગવડ તાલુકામાં મનરેગા ઉપર ભ્રષ્ટાચારની બૂરી દાનત ધરાવતાના દિવસો પૂરા થયા છે.
કેન્દ્ર સરકારે પણ અટલ રીપોર્ટ ઉપર માંગ્યો ખુલાસો
સીંગવડ તાલુકામાં મનરેગા યોજનામાં અતિહદ ભ્રષ્ટાચારના વિવિધ અહેવાલો કેન્દ્ર સરકારના ગ્રામ વિકાસ મંત્રાલયના મનરેગા પ્રભાવમાં વંચાણે ગયા હતા. જેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી ગુજરાત રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ પાસેથી રિપોર્ટ મંગાવ્યો હોવાનો સૌથી મોટા સમાચાર સોમવારે જાણીશું.