બ્રેકિંગ@સુરત: 2 ઈંચ વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા

 
વરસાદ
વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ફરી એકવાર સામાન્ય વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. વહેલી સવારે પડેલા વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સૌથી વધુ અસર ઉધના-નવસારી રોડ અને વેસુ શ્યામ મંદિર વીઆઇપી રોડ પર જોવા મળી હતી. અહીં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં અનેક વાહનો અટવાઈ ગયા હતા, જ્યારે કેટલાક વાહનોના એન્જિન પણ બંધ પડી ગયા હતા. 

વરસાદના કારણે ઉધના રેલવે નજીકનું ગરનાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ઘૂંટણસમા પાણીમાંથી રાહદારીઓને અવરજવર કરવાની ફરજ પડી હતી. સ્થાનિકોનું કહેવું છે કે ઘણા સમયથી કાયમી ઉકેલની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ ભેસ્તાન બાટલી બોય વિસ્તાર પણ વરસાદી જળભરાવથી પ્રભાવિત થયો હતો. એક તરફનો રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદી પાણીમાં અનેક વાહનો બંધ પડી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવ્યા છે.

સચિન વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. સચિન ગામના રેલવે ગરનાળામાં કમરથી વધુ પાણી ભરાઈ જતાં લોકો જીવના જોખમે અવરજવર કરતા જોવા મળ્યા હતા. જોખમ હોવા છતાં લોકોને આ માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન સુરતમાં જળભરાવની સમસ્યા સામે આવતી હોવા છતાં તેનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી. સામાન્ય વરસાદમાં પણ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલતી મહાનગરપાલિકા પાણી નિકાલની અસરકારક વ્યવસ્થા ક્યારે કરશે.