બ્રેકિંગ@સુરત: 2 કરોડથી વધુની ખરીદી શિક્ષણાધિકારીને આપી ખાણખનીજે જાતે આદરી, આવું શક્ય બને ?

 
સુરત
આ બાબતોની મંજૂરી કલેક્ટર અને ગાંધીનગરથી છે 

સુરત જિલ્લા કલેક્ટર હેઠળની મિનરલ ફંડની ગ્રાન્ટ બાબતે કરોડોના કામોની વહીવટી મંજૂરી પ્રાથમિક શિક્ષણાધિકારીને મળી હતી. આ મંજૂરી બાદ ડીપીઈઓ દ્વારા વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરવા કવાયત હાથ ધરવામાં આવી પરંતુ કેટલીક ક્ષતિઓ અને ચૂક ઉભી થતાં ખરીદી બ્રેક રહી હતી. આ દરમ્યાન ડીપીઈઓએ સમગ્ર મામલે ડીસ્ટ્રીક્ટ મિનરલ ફંડ અને ખાણખનીજ કચેરીને ધ્યાને મૂક્યું હતુ. હવે અહિંથી શરૂ થયો ચોંકાવનારો વળાંક કે જે ન તો ન ભવિષ્યતિ જેવું છે. ડીએમએફવાળાએ માર્ગદર્શન અને સહકાર આપવાની પદ્ધતિ હેઠળ આખી ખરીદી જ પોતાના હસ્તક લઈ લીધી. આ બાબતે જ્યારે બંને કચેરીના કર્મચારી/અધિકારીને પૂછ્યું તો જે જવાબ મળ્યો તે અતિશય ચોંકાવનારો અને ભ્રષ્ટાચારની ગંધ સમાન છે. વાંચો નીચેના ફકરામાં સમગ્ર અહેવાલ.


સુરત જિલ્લા મિનરલ ફંડનો વહીવટ કારોબારી સમિતી અને ગવર્નિગ કાઉન્સિલ કરે છે. જેમાં આવતી કામોની દરખાસ્ત બાદ નાણાંકીય વર્ષ 2024-25/2025-26 દરમ્યાન કલેક્ટર અને સભ્ય સચિવ ભૂસ્તરશાસ્ત્રીએ 2 કરોડથી વધુના કામોની વહીવટી મંજૂરી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આપી હતી. આ વહીવટી મંજૂરી બાદ સુરત ડીપીઇઓ દ્વારા ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવી પરંતુ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર ટેન્ડર પ્રક્રિયા કરવામાં ક્ષતિ કે અન્ય મુશ્કેલી ઉભી થતી હતી. આથી ડીપીઈઓએ સુરત ડીએમએફને ધ્યાને દોર્યું તો આખીય ખરીદીનો હવાલો જ જાણે બદલાઇ ગયો. ડીએમએફવાળાએ કહ્યું અથવા ખુદ સુરત ડીપીઇઓએ સામેથી કહ્યું તે પ્રશ્ન છે પરંતુ એક પત્ર કરી/કરાવી ખરીદીનો માર્ગ બદલાવી દીધો. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર કસ્ટમ બીડ વગર ખરીદી શક્ય નહોતી અને કસ્ટમ બીડની સત્તા મારી પાસે નથી. એટલે મેં ધ્યાને દોર્યું તો મારી પાસે પત્ર માંગ્યો એટલે મેં આપી દીધો. જોકે હું અત્યારે અમલીકરણ અધિકારી નથી. હવે આ બાજું ડીએમએફના કર્મચારી મયુરભાઈને પૂછ્યું તો જે જણાવ્યું તે તદ્દન વિપરીત અને ચોંકાવનારું છે. વાંચો નીચેના ફકરામાં.


સૌપ્રથમ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી દિનેશભાઇને પૂછ્યું તો મયુરભાઈ સાથે વાત કરવાનું કહ્યું ત્યારે સુરત ડીએમએફના મયુરભાઈએ જણાવ્યું કે, આજેપણ અમલીકરણ અધિકારી ડીપીઈઓ જ છે અમે માત્ર અમારા લોગીન મારફતે ટેન્ડર કર્યું છે અને આ બાબતોની મંજૂરી કલેક્ટર અને ગાંધીનગરથી મેળવી છે. હવે વિરોધાભાસી વાત આવતાં ફરીથી સુરત ડીપીઈઓ તરૂણભાઇને પૂછતાં જણાવ્યું કે, ટેન્ડર પાડવાથી લઈ બીલનુ ચૂકવણું એમણે જ કરવાનું છે એટલે હું અમલીકરણ ના કહેવાય. એમની પાસે કસ્ટમ બીડની સત્તા હશે તો એમણે ખરીદી શરૂ કરી હશે. જોકે અમલીકરણ બદલાયા બાબતનો પત્ર હજુ સુધી મારા ધ્યાનમાં કે વંચાણે આવ્યો નથી પરંતુ મૌખિક કહ્યું હતુ. હવે અહીં સૌથી મોટો સવાલ થાય કે, સુરત ડીપીઈઓ અમલીકરણ નથી તો કેમ ડીએમએફના કર્મચારી સદર ખરીદીના અમલીકરણ ગણાવે છે. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં વધુ જાણીએ.


શું છે ખરીદી


ડીએમએફની ગ્રાન્ટ હેઠળ પ્રાથમિક શાળાઓમાં ડીજીટલ લાઇબ્રેરી, સાયન્સ લેબ અને એજ્યુકેશન ચાર્ટ સહિતના સાધનો ફાળવવા સરેરાશ 2.30 કરોડની વહીવટી મંજૂરી મળી છે. આ સાધનોની ખરીદી પહેલાં સુરત ડીપીઈઓ કરવાના હતા પરંતુ હવે ખુદ ખાણખનીજ/ડીએમએફ કરી રહ્યા છે.

આ બાબતે ઉભા થતાં સવાલો

સભ્ય સચિવ એવા ભૂસ્તરશાસ્ત્રીને આયોજન લઈ વહીવટી આપવાની ફરજ છે તો ખુદ જાતે જ કામો કરવાની સત્તા છે ?

જે સાધનો ખરીદવા ટેન્ડર થયું છે તે ચીજવસ્તુઓના બજારભાવ જુઓ તો અડધાં રકમથી પણ ઓછાં છે તો આટલી ઉંચી કિંમત ભૂસ્તરશાસ્ત્રી લાવ્યા ક્યાંથી ?

શું આ બાબતે સુરત જિલ્લા કલેક્ટર અને માઈનિંગ કમિશ્નર સમગ્ર મામલે ઉંડાણમાં તપાસ કરશે ?

અમલીકરણ બદલવાની નિયત પ્રક્રિયા કઈ અને શું નિયત પ્રક્રિયા મુજબ અમલીકરણ બદલાયા છે ?

સામાન્ય સંજોગોમાં કલેક્ટર અને સભ્ય સચિવ વહીવટી મંજૂરીઓ આપી વિવિધ કચેરીઓના અધિકારીઓને અમલીકરણ અધિકારી નિયુક્ત કરે છે તો અહીં ખુદ સભ્ય સચિવ એવા ભૂસ્તરશાસ્ત્રી જ અમલીકરણ બની ગયા ?

સૌથી મોટો સવાલ ધ્યાને આવે કે, ખૂબ પ્રામાણિક અને જાંબાઝ કમિશ્નર ધવલ પટેલ શું વિદેશ ગયા હોઈ તેઓની ગેરહાજરીમાં તાત્કાલિક ટેન્ડર કર્યું?


જો આ બાબતે સચિવ મમતા વર્મા તપાસમાં ઉતરી જાય તો સુરત ડીએમએફ દ્વારા કેવી રીતે અને સ્પેશ્યલ કયા વેપારીઓ માટે ટેન્ડર કર્યું તેનો ઘટસ્ફોટ કરી શકે છે.